(એજન્સી) તા.૭
આપણે સૌ ગર્વિષ્ઠ ભારતીયો છીએ આપણને એ હકીતનો ગર્વ છે કે ભારત વિશ્વમાં સૌથી પ્રાચીનત્તમ સંસ્કૃતિ છે. આપણને એ વાતનો ગર્વ છે કે આ દેશમાં તમામ ધર્મોના લોકો એખલાસ સાથે રહે છે. આપણે ગંગા જમુના તહેજીબનો અમલ કરીએ છીએ. આપણને આ રાષ્ટ્રએ ગાંધી, પટેલ, નહેરુ અને સ્વામી વિવેકાનંદ જેવા નેતાઓને જન્મ આપ્યો છે તેનો ગર્વ છે. આપણે હોળીના દિવસે ગુજીયા અને ઇદના દિવસે સેવૈયા ગર્વભેર આરોગીએ છીએ. પરંતુ જ્યારે આપણે ગાયના નામે એક વ્યક્તિની હત્યા કરવામાં આવે ત્યારે આપણને જે રાષ્ટ્ર માટે ગર્વ છે તેમાં પણ આવું થઇ શકે છે તે વાત આપણને ગળે ઉતરતી નથી. શું રાષ્ટ્રીય ગર્વના નામે રક્તપાત સામે આપણે મૌન ધારણ કરવું જોઇએ ? આપણી આંખો સમક્ષ જે કંઇ થઇ રહ્યું છે તેની ઉપેક્ષા કરવી જોઇએ.
અખલાકથી અલીમુદ્દીન
દાદરીના અખલાકથી જુનૈદ અને અલીમુદ્દીનની રક્તરંજીત સફર આઘાતજનક રહી છે આ એક અભૂતપૂર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌરક્ષકોના હાથે થતી હિંસાને વખોડી કાઢી છે અને જણાવ્યું છે કે ગાંધીના દેશમાં આ બધંુ અસ્વીકાર્ય છે. થોડા દિવસ પૂર્વે જંતરમંતર ખાતે પણ કેટલાક આંદોલનકારીઓ એકત્ર થયા હતા. તેઓ વ્યથિત હતા અને જણાવ્યું હતું કે તેમના નામે હત્યાઓ થવી ન જોઇએ. પરંતુ જે લોકો સત્તારુઢ છે તેઓ સાંભળશે ખરા કે પછી આ અવાજના એક પ્રશ્ન તરીકે રાખી દેવામાં આવશે? ૨૦૧૪ની ચૂંટણી થઇ ત્યારથી દેશમાં મુસ્લિમો પર ૩૨ હુમલા થયા છે અને ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ૫૦ ઘાયલ થયા છે અને બળાત્કારના પણ બે કેસ નોંધાયા છે. આ હુમલા જુદા જુદા ૧૨ રાજ્યોમાં ફેલાયેલા હતા. એ વાત પણ સાચી છે કે કુલ ૨૬ હુમલામાં બિન મુસ્લિમ સમુદાયોને સહન કરવું પડ્યું હતું અને પાંચ લોકોએ તેમાં જીવ ગુમાવ્યા હતા અને આ બધા હુમલા ગૌરક્ષકોના હાથે થયા છે. ગૌરક્ષા એ નવો ટ્રેન્ડ નથી. કેટલાક હિંદુ સંગઠનો સ્વતંત્રતા પ્રાપ્ત થઇ તે પહેલાથી આ મુદ્દાઓ ઉઠાવતા આવ્યા છે. મારું માનવું છે કે ગાયોની કતલ એ ધાર્મિક કે સામાજિક મુદ્દો નથી. તે રામમંદિરની જેમ સંપૂર્ણ રાજકીય મુદ્દો છે. ૧૯૨૫માં આરએસએસની સ્થાપનાથી હિંદુત્વ બળો એક જ છત્ર હેઠળ જ્ઞાતિવાદી હિંદુઓને એક જ છત્ર હેઠળ લાવી રહ્યા છે. સંઘે ગૌપૂજાને રાજકીય રંગ આપ્યો હતો અને તેનો મુસ્લિમ વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે તેઓ ગૌહત્યાના મુદ્દાને અગ્રેસર રાખીને હિંદુઓમાં મુસ્લિમો વિરુદ્ધ નફરતની જ્વાળાઓ ભડકાવી શકે છે. તેમના આ પ્રયાસમાં ઇતિહાસમાંથી તેમને સારી મદદ મળી છે.