(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
શહેરના હરણી-વારસીયા રીંગ રોડ પર સંજયનગરમાં ઝુપડાઓ દુર કરાયા બાદ હજુ સુધી આવાસો ન મળતા બેઘર બનેલા લોકોએ પોતાની જૂની જગ્યા પર પુનઃ પતરાના શેડ બાંધી રહેવાની શરૂઆત કરતાં કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું અને દબાણ શાખા દ્વારા આજે આ પતરાનાં શેડ બાંધી રહેતા પરિવારોને દૂર કરી શેડ તોડી પાડવામાં આવ્યા હતા એક તબક્કે દબાણ શાખા અને બેઘર લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્લમ મુકત વડોદરા બનાવવા માટે વિવિધ વિસ્તારોમાંથી ઝુપડા દૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી હરણી-વારસીયા રીંગ રોડ પર સંજયનગરનાં ઝુપડા દૂર કરવામાં આવ્યા હતા. જ્યાં પીપીપી ધોરણે આવાસો બનાવવાનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા સમય મર્યાદા પુરી થવા આવી છતાં આવાસો બનાવવાની શરૂઆત કરવામાં આવી નથી. સાથે જ બેઘર બનેલા ઝુપડાવાસીઓને આવાસો તૈયાર ના થાય ત્યાં સુધી નક્કી કરેલ ભાડું પણ ચુકવવામાં ના આવતા બેઘર ઝુપડાવાસીઓની હાલત કફોડી બની છે.
આજે સંજયનગરના બેઘર બનેલા ઝુપડાવાસીઓ પૈકી ૮ બેઘર પરિવારો પોતાની જૂની જગ્યામાં પતરાના શેડ બનાવીને રહેવાની શરૂઆત કરતાં દોડી આવેલી દબાણ શાખાએ પોલીસ સાથે રાખી તમામ લોકોને શેડમાંથી દૂર કરી શેડ તોડી પાડયા હતા. એક તબક્કે લાભાર્થીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી.