અમદાવાદ, તા.૯
અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાની ૧૪.૧૫ કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લઈને વધુ તપાસ આદરી છે. અગાઉ પણ ગુપ્તાની ઘણી મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. ગુપ્તા વિરૂદ્ધ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સંજય ગુપ્તા સહિત ગુજરાતના ઘણા બધા મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી હતી. આટલું જ નહીં ચાલાક સંજય ગુપ્તાએ પોતાના સ્વજનો અને ઓળખીતાઓના નામે પણ ઘણી બધી મિલકત વસાવી લીધી છે જે અંગેની પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ગુજરાતના પૂર્વ આઈએએસ સંજય ગુપ્તાની કંપનીને સોંપવામાં આવી હતી. સંજય ગુપ્તાએ જુદી-જુદી બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવી કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર બોગસ બિલો જનરેટ કરી કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હતા જેનો પર્દાફાશ થતાં સંજીવ ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદો નોંધાઈ હતી જેમાં અમદાવાદ ઈડીએ પણ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. જેમાં અધિકારીઓએ સંજય ગુપ્તાની ઘણી બધી પ્રોપર્ટી શોધી કાઢી લેવાનું અભિયાન આદર્યું હતું જેમાં સંજય ગુપ્તાની અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કરોડો રૂપિયાની મિલકત વસાવી હતી જે સામે આવતા અમદાવાદ અને ગાંધીનગરની મિલકતોનો ઘણો ભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ટાંચમાં લેવામાં આવ્યો હતો જે અભિયાન અંતર્ગત અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે, સંજય ગુપ્તાની દિલ્હી તથા નોઈડામાં નિશા ગ્રુપમાં હોટલ લક્ઝુરિયસ ફ્લેટ તથા મોટો ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ છે જેની કિંમત ૧૪.૧૫ કરોડ થાય છે આ મિલકતો ડિપાર્ટમેન્ટ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.