(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૧૯
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથક એવા સંજેલી ગામે વાલ્મિકી સમાજના ર૦ મકાનો હટાવવાના પ્રયાસો અટકાવવાની માગણી કરતું એક આવેદનપત્ર ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ ભગતે દાહોદ જિલ્લા કલેક્ટરને આપી મકાન હટાવવાની કાર્યવાહી બંધ કરવાની લેખિતમાં ખાત્રી નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આવેદનપત્રની એક-એક નકલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સામાજિક ન્યાય અને અધિકાર વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, દાહોદ જિલ્લા પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસવડા સંજેલીના મામલતદાર, તલાટી, સરપંચ વગેરેને રવાના કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સંજેલી ગામમાં વાલ્મિકી સમાજના આશરે ર૦ (વીસ) જેટલા મકાનો આવેલા છે. જેઓને મફત પ્લોટ સહાય બાબા આંબેડકર આવાસ યોજના તથા સરદાર આવાસ યોજનામાંથી લાભ મળેલ છે અને તેઓ તેમના કુટુંબ કબીલા સાથે હાલમાં ત્યાં જ રહે છે અને ધંધો-રોજગાર કરી તેઓનું ગુજરાત ચલાવે છે. હાલમાં સંજેલી પંચાયત દ્વારા સદર મકાનો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સદર મકાનો દૂર કરવામાં આવે તો વાલ્મિકી સમાજના માણસો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલત થાય તેમ છે. નિરાધાર અને નિઃસહાય મકાન વગરના વાલ્મિકી સમાજના ભાઈઓની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. હાલમાં સદર મકાનોની આકારણી થયેલ છે અને સંજેલી ગ્રામ પંચાયત તેનો વેરો પણ ઉઘરાવે છે તેમ છતાં જાણી જાઈને વહીવટીતંત્ર કિન્નાખોરી રાખીને વાલ્મિકી સમાજના મકાનોની જમીન પડાવી લેવા કાવતરૂ કરીને નિરાધાર બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. જે કમનસીબ અને દુઃખદ બાબત છે. સદર મકાનો કોઈ હટાવે નહીં તે પ્રકારનો આદેશ કરવા, વાલ્મિકી સમાજના માણસોને રક્ષણ આપવા, બારિયા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોનું ઘણા સમયથી ચાલી રહેલા કામદારોના આંદોલનનો દુઃખદ નિકાલ લાવવા તેમજ દાહોદમાં એક સફાઈ કામદારનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેના બદલે બીજું મકાન બનાવી તેમાં તેઓ સહપરિવાર સારી રીતે રહે છે તે પણ મકાન તોડવા માંગે છે તે મકાન પણ તોડવા ન દેવા જણાવાયું છે અને મકાન હટાવવાની કામગીરી બંધ કરવાની લેખિતમાં ખાત્રી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.