અમદાવાદ,તા.૧૮
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં સસરા અને પુત્રવધૂનાં સંબંધને કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સસરાએ ૨૮ વર્ષની પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂને સસરો બેડરૂમમાં લઈ જતો અને તેના શરીર ઉપર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરી છેડતી કરતો હતો. પુત્રવધૂ સાથે બે વાર છેડતી કરવામાં આવી હતી અને બાદમાં તેનો વિરોધ કરતાં પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. જે અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ પતિ, સસરા, સાસુ, નણંદ અને દીયર સામે ફરિયાદ નોંધાવી છે.
નિકોલમાં આ મહિલાનાં ઓગસ્ટ, ૨૦૧૮માં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે. પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો. પતિએ ધમકી આપીને મહિલાને જણાવ્યું હતું કે, મારા માબાપ જેમ કહે તેમ જ તારે કરવાનું છે. તારી ઉપર વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની. સંતાન સુખ માટે સસરાએ વિધી કરવાનું શરૂ કરી દીધું હતું. જે માટે તે પુત્રવધૂને બેડરૂમમાં લઇ જતો અને પુત્રવધૂનાં શરીર ઉપર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરતો હતો. આ સમયે એકાંતમાં છેડતી પણ કરતો હતો.
આ સામે જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે પરિવારે કહ્યું કે, આને સંતાન નથી થતું તો એને ઘરેથી કાઢી મુકો અને છૂટાછેડા આપી દો. પરિણીતાને પહેરેલા કપડે પણ કાઢી મુકી હતી. ત્યારબાદ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.