અમદાવાદ, તા.૧૩
સંપૂર્ણ લોકડાઉનના પાલન વચ્ચે અમદાવાદના જમાલપુર, રાયખડ અને આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં છૂપી રીતે જીવન-જરૂરી વસ્તુઓ અને શાકભાજીઓ બમણા ભાવે વેચાતી હોવાની ફરિયાદો ઊઠી છે. તંત્ર અને પોલીસ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે ત્યારે આ વિસ્તારોમાં એક કિ.ગ્રા. બટાકા, ટામેટા રૂા.૮૦થી રૂા.૧૦૦ના ભાવે વેચાઈ રહ્યા હોવાની લોકફરિયાદ છે જ્યારે આ વસ્તુની કિલોદીઠ કિંમત રૂા.૩૦થી રૂા.૪૦ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ખાંડના ભાવમાં પણ ભડકો થયાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે કિલોદીઠ ખાંડનો ભાવ રૂા.૩પથી ૪૦ છે. જે જમાલપુર, રાયખડ અને આસ્ટોડિયા જેવા વિસ્તારોમાં ૧૦૦ રૂપિયે કિ.ગ્રા. વેચાઈ રહી છે. લોકડાઉનના કારણે લોકો પહેલાંથી જ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. ત્યારે રમઝાન માસમાં સ્થાનિક લોકોના ખિસ્સાં વધુ હળવાં થઈ રહ્યાં છે. આ મામલે જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં પણ આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાલુપુર-દરિયાપુરમાં એક કિ.ગ્રા. બટાકા ૩પ રૂપિયે વેચાઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જમાલપુર-રાયખડ અને આસ્ટોડિયામાં આટલો બધો ભાવ તફાવત શા માટે તે ચર્ચાસ્પદ છે. જો કે, હાલ સંપૂર્ણ લોકડાઉનનું પાલન જારી છે ત્યારે આ વિસ્તારોમાં કોણ લોકો જાહેરનામાનું ઉલ્લંઘન કરી કાળાબજાર કરી રહ્યા છે તે તપાસનો વિષય છે.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટાફ અને વેપારીઓ દ્વારા જમાલપુરમાં માસ્ક અને સેનેટાઈઝનું વિતરણ

જમાલપુરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટાફ અને અગ્રણી વેપારીઓ દ્વારા સંયુક્તરીતે સ્થાનિકો વચ્ચે માસ્ક અને સેનેટાઈઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે સ્ટાફ દ્વારા શારીરિક અંતરની પણ તકેદારી રાખવામાં આવી હતી. ડીસીપી મકરંદ ચૌહાણ, એસીપી એ.વી.પટેલ તથા હવેલીના પીઆઈ એન.એન.પરમાર સહિતના પોલીસ સ્ટાફનું માનવું છે કે, જ્યારે પણ લોકડાઉન પૂર્ણ થાય ત્યારે વિસ્તારના દરેક વ્યક્તિના હાથમાં માસ્ક હોય અને તેઓ માસ્ક પહેરી શકે.

હાશ…જમાલપુરમાં સંપૂર્ણ લોકડાઉન ફળ્યું : કોરોનાના કેસોમાં ઘટાડો

જમાલપુરમાં એક સમયે કોરોનાના રોજના અન્ય વિસ્તારો કરતાં સૌથી વધુ કેસ નોંધાતાં હતા અને મરણઆંક પણ વધુ હતો. પણ સંપૂર્ણ લોકડાઉનનો અમલ તથા વિસ્તારની પોલીસ અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી હવે કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, આફત હજુ ટળી નથી. પણ સારા સમાચાર એ છે કે, જમાલપુરમાં કેસોની સંખ્યા ઘટી છે. સંપૂર્ણ લોકડાઉન અગાઉ આ વિસ્તારમાં કેસોની સંખ્યા સૌથી ઉંચી હતી એક સમયે દૈનિક ૯૦ કેસો પણ નોંધાયેલા છે જે ચિંતાજનક બાબત હતી પણ હવે વિસ્તારમાં એકી સંખ્યામાં જ દર્દીઓ બહાર આવી રહ્યા છે.