અમદાવાદ, તા.રર
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતા-પિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીર બહેનો પર ફૂઆએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં નાની ઉંમરે લગ્ન પણ કરાવ્યા અને તેના ૫૦ હજાર પણ લીધા હતા. મહિલા પોલીસે બાળ લગ્ન અને દુષ્કર્મ તથા પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી બે બહેનોનું રેસ્ક્યૂ કર્યું છે.
ગુજરાતમાં એક તરફ બાળ લગ્નના કિસ્સા ઘટતા જાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ રીતિ ચાલી આવે છે. તેવો જ એક કિસ્સો અમદાવાદના સરદારનગરમાં સામે આવ્યો છે. સરદારનગરમાં રહેતી સગીર બહેનો માતા-પિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી હતી. ત્યારે દૂરના ફોઈ ફૂઆ દ્વારા બંને સગીરાઓને કલોલ ખાતે લઈ જવામાં આવી હતી.
માતા-પિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફૂઆના આશરે ગઈ હતી પણ ફૂઆએ સગીર બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી હતી.૧૬ વર્ષીય સગીરા સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું અને ૧૪ વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે.
મહિલા ક્રાઈમ સેલના એસીપી મીની જોસેફએ મીડિયાને જણાવ્યું કે, આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને લગ્નની ઉંમર ન હોવા છતાં બંને સગીરાઓના લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિ પાસેથી ૫૦-૫૦ હજાર રૂપિયા પણ લીધા હતા.
લગ્ન બાદ સગીરાએ તેના પતિએ શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફૂઆને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરૂદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો. અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિની ચૂંગાલમાંથી મુક્ત કરાવી હતી. મહિલા પોલીસે સગીરાના ફોઈ ફૂઆ, બંનેના સગીર પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.