(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૮
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રામાં કોવિડ-૧૯ના લક્ષણો જોવા મળતા તેમને ગુરૂગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાત્રાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કરીને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી છે. સંબિત પાત્રાની ગણતરી ભાજપાના ઉગ્ર પ્રવક્તાઓમાં થાય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.
સંબિત પાત્રાને ટીવીની ઘણી ડીબેટમાં પણ ભગવા પાર્ટીનું સમર્થન કરતાં જોઈ શકાય છે. જો કે, પાત્રા દ્વારા ખુદ એવી કોઈ પુષ્ટિ કે ટ્વીટ કરવામાં આવી નથી, કે તેઓનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યાં હતાં.
ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રા ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતર્યા હતાં. તેઓ ઓરિસ્સાની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં, પરંતુ મોદી લહેર હોવા છતાં પણ સંબિત પાત્રને બીજૂ જનતા દળના પિનાકી મિશ્રની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસે વર્તમાન સમયમાં આખા વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. એવામાં આખા વિશ્વમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૫૭,૯૪,૦૦૦ જેટલી થઈ ગઈ છે, જયારે મૃતકોની સંખ્યા વધીને ૩,૫૭,૫૦૯ જેટલી થઈ ગઈ છે. બીજી તરફ ભારતમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૧,૫૯,૦૫૪ જેટલી થઈ ગઈ છે અને ૪૫૩૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૬૭,૬૯૨ લોકોએ કોરોનાને માત આપી છે.
સંબિત પાત્રામાં કોવિડ-૧૯ના લક્ષણો જોવા મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા

Recent Comments