(એજન્સી) તા.૧૨
ત્રણ વર્ષ પૂર્વે મ્યાનમારની સેનાએ રોહિંગ્યાના કાન ક્યા ગામને સળગાવી નાખ્યું હતું અને તેના પર બુલડોઝર ફેરવી દીધું હતું. ગઇ સાલ સરકારે પોતાના સત્તાવાર નકશામાંથી આ ગામનું નામ ભૂંસી કાઢ્યું હતું એવું સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું હતું. ૨૦૧૭માં મ્યાનમારના લશ્કરે દેશમાંથી ૭૩૦૦૦૦ રોહિંગ્યાઓને હાંકી કાઢ્યાં તે પહેલાં મ્યાનમારના રાખીને રાજ્ય અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ તરીકે નાફ નદી છે તેનાથી ૫ કિ.મી. દૂર આવેલ કાન ક્યા ગામમાં સેંકડો લોકો રહેતાં હતાં.
એક વખત જ્યાં આ ગામ હતું ત્યાં હવે વિશાળ પોલીસ મથક સહિત સરકારી અને લશ્કરી ઇમારતો ઊભી થઇ ગઇ છે એવું ગુગલ અર્થ પર ઉપલબ્ધ સેટેલાઇટ તસવીરો દ્વારા બહાર આવ્યું છે. ૨૦૧૭માં મ્યાનમારના લશ્કર દ્વારા નાશ કરવામાં આવેલ ૪૦૦ ગામોમાંનું એક ગામ કાન ક્યા પણ હતું. ન્યૂયોર્ક સ્થિત હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ સેટેલાઇટ તસવીરો પરથી એક વાત સ્પષ્ટ થઇ છે કે કેટલાય રોહિંગ્યાના ગામો હવે મ્યાનમાર અને સંયુક્ત રાષ્ટ્રસંઘના નકશામાંથી જ અદ્રશ્ય કરી દેવામાં આવ્યાં છે.
મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મેપિંગ યુનિટ દ્વારા ૨૦૨૦માં રજૂ કરવામાં આવેલા નકશામાં નાશ પામેલા ગામોના નામ પણ ભૂંસી કાઢવામાં આવ્યાં છે. આ ગામોને નજીકના માઉંગડો શહેરના ભાગ તરીકે પુનઃ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. હાલ બાંગ્લાદેશની નિર્વાસિત છાવણીમાં રહેતાં કાન ક્યા ગામની નજીક આવેલા એક અન્ય ગામના પૂર્વ ચેરમેન મોહમદ રફીકે જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે અમે અમારા ગામમાં પરત આવીએ નહીં.
આ અંગે મ્યાનમાર સરકારના પ્રતિનિધિઓએ પણ કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નકશા વિભાગે આ વર્ષના આરંભથી ઓછામાં ઓછા ત્રણ નકશા રજૂ કર્યા છે જેમાં રોહિંગ્યાના કેટલાય ગામોના નામો અદ્રશ્ય થઇ ગયાં છે અથવા તો તેને પુનઃ વર્ગીકૃત કરાયાં છે.
Recent Comments