મુસ્લિમો અંગે અમેરિકાએ ચીનને આરિસો બતાવ્યો છે. અમેરિકાએ જણાવ્યું કે મુસ્લિમો પ્રત્યે ચીનનું બેવડું વલણ છે. ચીન એક તરફ તો સંયુક્ત રાષ્ટ્રમાં ત્રાસવાદી સંગઠનો સામે પ્રતિબંધને અટકાવે છે જ્યારે બીજીબાજુ પોતાની ભૂમિ પર ૧૦ લાખથી વધુ મુસ્લિમો પર ત્રાસ ગુજારે છે. ચીને ઉઇગર અને કઝાક મુસ્લિમોને અટકાયત હેઠળ રાખ્યા હોવાનું અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું છે. દુનિયાના મુસ્લિમો પ્રત્યે ચીનનું શરમજનક પાખંડ સાંખી લેવામાં આવશે નહીં. ચીને અટકાયત હેઠળ રાખવામાં આવેલા બધા મુસ્લિમોને મુક્ત કરી દેવા જોઇએ. પોમ્પિયોએ જણાવ્યું છે કે ઉઇગર અને અન્ય મુસ્લિમ લઘુમતી સમુદાયના ૧૦ લાખથી વધુ લોકોને એપ્રિલ ૨૦૧૭થી શિનજિયાંગના કેમ્પોમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. અમેરિકા નજરકેદ હેઠળ રખાયેલા ૧૦ લાખથી વધુ મુસ્લિમો અને તેમના પરિવારોની પડખે છે. ચીને શિનજિયાંગના કેમ્પોમાં રખાયેલા મુસ્લિમો પર દમનનો અંત આણવો જોઇએ.