(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
યુક્રેન ભારત દ્વારા એન-૩ર એરક્રાફ્ટના ભાગોની ખરીદીમાં ર.૬ મિલિયન ડૉલર (રૂા.૧૭.પપ કરોડ)ના ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી રહ્યું છે અને તેની શંકાની સોય ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પર આવીને અટકી છે.
૧૩ ફેબ્રુઆરીના રોજ યુક્રેનના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આંતરરાષ્ટ્રીય કાયદાકીય તપાસની માંગ કરી હતી. જેમાં તેમણે આ કરાર ઘડનાર, સહી કરનાર અને તેનો અમલ કરનાર સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની ઓળખની માંગ કરી હતી.
અહેવાલો મુજબ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને એ મુદ્દે શંકા ઊભી થઈ કે ર૬ નવેમ્બર-ર૦૧૪ના રોજ થયેલ કરારના ૧૧ મહિના બાદ તુરંત અન્ય એક કંપની ગ્લોબલ માર્કેટિંગ એસ.પી. લિમિટેડ સાથે આ કરારના અમલીકરણ માટે કરાર કરવામાં આવ્યો અને ત્યારબાદ યુ.એ.ઈ. સ્થિત આ ગ્લોબલ માર્કેટિંગ કંપનીને ર.૬ મિલિયન ડૉલર પણ પહોંચાડવામાં આવ્યા.
મુખ્ય કરાર નવેમ્બર ર૦૧૪માં અમલ થઈ ગયા પછી ૧૩ ઓગસ્ટ-ર૦૧પના રોજ એ જ કાર્ય માટે કરવામાં આવેલ બીજા કરાર ઘણાં પ્રશ્નો ઊભા કરે છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ગ્લોબલ માર્કેટિંગની સંડોવણી સહિત તમામ પાસાઓની તપાસની માંગ કરી છે. આ સાથે દુબઈ આધારિત નૂર ઈસ્લામિક બેન્કને ઓગસ્ટ-ર૦૧પથી જાન્યુઆરી ર૦૧૮ સુધીની ગ્લોબલ માર્કેટિંગની નાણાકીય હેરફેરની વિસ્તૃત જાણકારીની માંગ કરતો પત્ર લખવામાં આવ્યો છે.
આ મુદ્દે સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ કોઈપણ પ્રતિક્રિયા આપવા ઈન્કાર કર્યો છે. યુક્રેન અને ભારત વચ્ચે એન-૩ર એરક્રાફ્ટ અંગે કરાર કરવામાં આવ્યા હતા. જે એક માલવાહક વિમાન છે. આ વિમાનોનો શીત યુદ્ધ દરમ્યાન લોકો સુધી રાહ પહોંચાડવા ઉપયોગ કરાયો હતો.

એન-૩ર ગોટાળો : રાહુલે મોદીને તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્વઘોષિત ચોકીદારને ભારતીય વાયુસેનાના એન-૩ર વિમાનોના યંત્રોના ભાગોની બરીદીમાં સુરક્ષા મંત્રાલયના અધિકારીઓને રૂા.૧૭.પ કરોડની લાંચ લીધી હોવા મુદ્દે કડક પગલાં લેવા સૂચન કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી હતી કે યુક્રેન સરકાર સાથેની એન-૩ર કરારમાં ભારતના સંરક્ષણ મંત્રાલય (એમઓડીઆઈ)ના અધિકારીઓ પર દુબઈ મારફતે લાખો રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. મોદીજી, અમારા સ્વઘોષિત ચોકીદાર, હું તમને તમારા ભ્રષ્ટ એમ.ઓ.ડી.આઈ. અધિકારીઓ વિરૂદ્ધ તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરૂં છુું. આ સાથે તેમણે એક અહેવાલ પણ રજૂ કર્યો હતો જે દાવો કરે છે કે યુક્રેન એન-૩ર કરારમાં ભારતના પક્ષે થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી રહ્યું છે.