(એજન્સી) નવી દિલ્હી, તા.પ
કોંગ્રેસ સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ કરે છે એ પ્રકારના કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેના આક્ષેપોથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ગુસ્સે ભરાયા હતાં. અનંતકુમાર જુઠા હોવાનો આક્ષેપ કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે સંસદ સ્થગિત થઈ જવા પાછળ સરકાર ગુનેગાર છે. લોકસભામાં તીવ્ર ચર્ચા બાદ એનડીટીવી સાથે વાતચીતમાં સોનિયા ગાધીએ કહ્યું હતું કે હું વિચારૂં છું કે સંસદીય બાબતોના મંત્રી સદનમાં આ પ્રકારનું જુઠાણું બોલી શકે તે શરમજનક બાબત છે.
સંસદીય બાબતોના મંત્રી અનંતકુમાર હેગડેએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ કોંગ્રેસ સંસદને કાર્ય કરવા દેતો નથી અને તેમણે કોંગ્રેસના આ વલણ માટે વારંવાર સોનિયા ગાંધી અને તેમના પુત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતાં. છેલ્લા ર૩ દિવસોથી સંસદના બંને ગૃહોમાં યોગ્ય રીતે કાર્ય થયું નથી.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ધીરજપૂર્વક બેસે છે અને ચર્ચા માટે વિનંતી કરે છે. સરકાર અને તેના સહયોગી પક્ષો સંસદને કાર્ય કરવા દેતા નથી. બુધવારે અનંતકુમારે જાહેરાત કરી હતી કે ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનના સાંસદો “કામ નહીં તો પગાર નહીં” એ કાયદાને અનુસરીને તેઓના પગાર અને ભથ્થા લેશે નહીં. તેમણે કહ્યું હતું કે સરકાર બધા મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષો સહયોગ આપતા નથી. જ્યારે વિપક્ષનું કહેવું છે કે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર ન થાય તે માટે ભાજપની મિત્ર ગણાતી એઆઈએડીએમકે પાર્ટીના સાંસદો સંસદમાં કાર્યવાહી નથી થવા દેતાં.