(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંસદ ‘ગેરહાજરી’ને લીધે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. અદાલતે આ કેસની સુનાવણી બુધવાર માટે સૂચિબદ્ધ કરી છે. દર ૧૪ દિવસે પોતાના મનની વાત સંભળાવનારા મોદી સંસદમાં મૌન-મોદી બની જાય છે, એ પણ હકીકત છે કે પીએમ સંસદમાં પોતાના કાર્યાલયમાં રહે છે, પરંતુ જનતા સાથે જોડાયેલા કોઈપણ પ્રશ્નનો તેઓ જવાબ આપતા નથી. આ અંગે મેં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના પર સુનાવણી થશે.” તેવી એક ટ્‌વીટ ૧ર જૂન ર૦૧૮ના રોજ સંજય આઝાદસિંહે કરી હતી. આ પહેલાં સોમવારે આપના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ આવી જ એક અરજી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરૂદ્ધ દાખલ કરી હતી.
સિંહે કહ્યું, ગત ચાર વર્ષમાં, વડાપ્રધાન મોદી સંસદમાં માંડ ૧૯ વખત બોલ્યા છે. તેમણે સરકારના બિલ વિશે માત્ર એક જ વાર વાત કરી છે, પાંચ વખત તેમણે પોતાના મંત્રીઓનો પરિચય આપ્યો છે, તેઓ ૬ વખત ધન્યવાદ પ્રસ્તાવ વિશે બોલ્યા છે અને વિશેષ ચર્ચાઓમાં તેઓ બે વખત સામેલ થયા છે. આ એ જ વ્યક્તિ છે, જેણે ગત ચાર વર્ષમાં સમગ્ર દેશમાં ૮૦૦ રેલીઓ યોજી છે. તેમણે કહ્યું વિપક્ષે પીએમ મોદીને ગંભીર વિષયો જેવા કે નોટબંધી, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, બેરોજગારી, બેંક કૌભાંડ, ટોળા દ્વારા ઢોરમાર મારી હત્યા કરી દેવી, મહિલા સુરક્ષા વગેરે મુદ્દાઓ પર નિવેદન આપવાની માગણી કરી તેમ છતાંય વડાપ્રધાને મૌન સેવી લીધું. સિંહે પોતાની અરજીમાં ઉચ્ચ ન્યાયાલય પાસે વડાપ્રધાન મોદી સતત સંસદ સત્રમાં સામેલ થાય અને સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપે તે અંગેનો નિર્દેશ આપવાની માગણી કરી છે.