(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
ગૃહ મામલાઓની સંસદીય કાયમી સમિતિ બુધવારે કોરોનાની સ્થિતિ અને દેશમાં તેની વ્યવસ્થા અંગે ચર્ચા કરશે. સમિતિ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયા સાથે મામલામાં ચર્ચા કરશે. રાજયસભાની વેબસાઈટ મુજબ સમિતિ ૧૯ ઓગસ્ટે કોરોના મહામારી અને તેની સાથે જોડાયેલ વ્યવસ્થા વિશે ચર્ચા કરશે. સૂત્રો મુજબ સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસ નેતા આનંદ શર્મા કરી રહ્યા છે અને બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા મહામારીની વ્યવસ્થા અંગે ચર્ચા થવાની સંભાવના છે. જુલાઈમાં કાયમી સમિતિની થયેલી બેઠકમાં સમિતિના સભ્યોએ અધિકારીઓને કોરોનાની સારવારમાં ઉપયોગ થવાની દવાઓના મોંઘા ભાવ વિશે પૂછયું હતું. અને સભ્યોએ દવાઓના કાળાબજારના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. આ બેઠકનું એટલા માટે પણ મહત્વ છે, કારણ કે સંસદના બંને સદન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખતા મોનસુન સત્રની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં કોરોનાના આંકડા ર૭ લાખની પાર પહોંચી ગયા છે. પાછલા ર૪ કલાકમાં પપ,૦૭૯ લોકો કોરોના પીડિત થયા છે, ત્યાં ૮૭૬ લોકોના મોત નીપજયા છે. અત્યાર સુધી કુલ પ૧,૭૯૭ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચુકયા છે.