૩૦ સંસદસભ્યો ઉપરાંત સંસદના ૫૦ કર્મચારીઓનો પણ કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ • કોવિડ પોઝિટિવ આવેલા સંસદસભ્યો અને
કર્મચારીઓને ક્વોરન્ટાઈનમાં રહેવાની સૂચના • ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સાંસદો રાજ્યસભામાં બેસશે : સ્પીકર ઓમ બિરલા
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે લગભગ ૩૦ જેટલા સાંસદો અને સંસદના ૫૦ કર્મચારીઓનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, સંસદના ચોમાસુ સત્ર પહેલાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો તેમજ સંસદના બધા સચિવો અને કર્મચારીઓનો કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે સાંસદોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમને ક્વોરન્ટાઈનમાં રહેવાની અને સંસદમાં ન આવવાની સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં થયેલા ટેસ્ટમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, અનંદકુમાર હેગડે અને પ્રવેશ સાહિબ સિંહ વર્મા સહિત ૩૦ સાંસદો પોઝિટિવ મળ્યા છે. આ ઉપરાંત સુખબીર સિંહ, પ્રતાપ રાવ જાધવ, જનાર્દન સિંહ, હનુમાન બેનીવાલ સેલ્વમ જી, પ્રતાપ રાવ પાટિલ, રામશંકર કઠેરિયા, સત્યપાલ સિંહ સહિત અન્ય સાંસદોનો રિપોર્ટ પણ પોઝિટવ આવ્યો છે. સંસદનું સત્ર શરૂ થતા પહેલાં બધા સાંસદોનો કોવિડ-૧૯ ટેસ્ટ થયો હતો. તેમાંથી અત્યાર સુધીમાં ૩૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લોકસભાના સાંસદોનો ટેસ્ટ ૧૩ અને ૧૪ ઓગસ્ટે સંસદના પરિસરમાં કરાયો હતો. કોરોના મહામારી વચ્ચે, લોકસભાની કાર્યવાહી સોમવારે સવારે ૯ વાગ્યે શરૂ થઈ. સાંસદોની હાજરી પુરવાની રીત બદલાઈ ગઈ છે. હવે, સાંસદોને ’અટેન્ડેસ રજિસ્ટર’ એપ દ્વારા હાજરી નોંધાવવાની રહેશે. સોમવારે ઘણા સાંસદોએ રસપૂર્વક તેની પ્રોસેસ સમજી હતી. લોકસભામાં સાસંદોની ડેસ્કની આગળ કાચની શીલ્ડ લગાવાઈ છે. મોટાભાગના સાંસદો બેઠા-બેઠા જ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા.
પહેલી વખત બેસીને બોલનારા સાંસદોએ કહ્યું કે, લોકસભાના ઈતિહાસમાં પહેલી વખત સાંસદોને પોતાની સીટ પર બેઠા-બેઠા બોલવાની મંજૂરી આપવામાં આવી. સાંસદોએ પોતાની સીટ પર બેઠા-બેઠા બોલવાની મંજૂરી આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ’આ ચોમાસુ સત્રમાં બધા સાંસદો પોતાની સીટો પરથી ઊભા થયા વિના બોલશે. આવું કોવિડ-૧૯ મહામારીને પગલે કરવામાં આવી રહ્યું છે.’ આ પહેલાં, બધા સાંસદો સંસદમાં ઊભા-ઊભા જ બોલતા હતા. તે અધ્યક્ષની ચેર પ્રત્યે સન્માન દર્શાવવાનું પ્રતીક છે. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, ઈતિહાસમાં પહેલી વખત છે જ્યારે લોકસભાની કાર્યવાહી દરમિયાન લોકસભાના સભ્યો રાજ્યસભામાં બેસશે. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન રાજ્યસભાના સભ્યોને લોકસભામાં બેસવાની તક મળશે. તેમણે કહ્યું કે, સુરક્ષાના બધા પ્રોટોકોલ જાળવવામાં આવ્યા છે અને વધુમાં વધુ ડિજિટલાઈઝેશન કરાયું છે. સંસદની કાર્યવાહી દરરોજ માત્ર ચાર કલાક માટે ચાલશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૪૮ લાખને પાર થઈ ગઈ છે. જોકે, સારી વાત એ છે કે, ૩૭ લાખ લોકો આ જીવલેણ વાયરસને હરાવીને સાજા પણ થઈ ચૂક્યા છે. આ બીમારીએ અત્યાર સુધીમાં ૭૯ હજાર લોકોનો જીવ લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આજે સંસદને જણાવ્યું હતું કે, કોરોના વાયરસમાંથી રિકવર થવાનો રેટ ૭૮ ટકા સુધી પહોંચી ગયો છે.
Recent Comments