(એજન્સી) તા.ર૩
સુદાનની સરકારના બે સ્ત્રોતોએ રોઈટર્સને ગુરૂવારે જણાવ્યું કે, રચના કરવાની બાકી છે તે પરિવર્તનશીલ સંસદના આ પગલાને મંજૂરી મળી જાય તે પછી સુદાનના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે તૈયાર છે. આ ટિપ્પણીઓ સ્પષ્ટ સંકેત છે કે, યુએસના દબાણ હેઠળ, હમદોક, સુદાનના ભૂતપૂર્વ હરીફ ઈઝરાયેલ સાથે સંબંધો સ્થાપિત કરવા અંગે વિચાર કરવા તૈયાર છે, એમ રોઈટર્સનો અહેવાલ. વિધાનસભાની રચના ક્યારે થશે તે અસ્પષ્ટ છે. હમદોકની તકનિકી સરકારે અત્યાર સુધી યુએસની ઓફરો ફગાવી દીધી છે જેનો હેતુ સુદાનને યુએઈ અને બેહરીનની આગેવાનીને અનુસરવા દબાણ કરવાનો છે. ડાબેરીઓ, ઈસ્લામવાદી રાજકારણીઓ અને નાગરિક જૂથોને સામાન્યીકરણ પ્રત્યે અનિચ્છા છે. આ વિષય સુદાનમાં સંવેદનશીલ છે, જે ઈઝરાયેલનો કટ્ટર અરબ શત્રુ રહી ચૂક્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, સુદાન અને ઈઝરાયેલ વચ્ચે કરાર થઈ જાય તો વોશિંગ્ટન, ખાર્તુમને આતંકવાદને પ્રાયોજિત કરતા રાજ્યોની યાદીમાંથી દૂર કરી દશે. સુદાની વિરોધ પ્રદર્શનકારીઓએ બુધવારે પાટનગર ખાર્તુમમાં એક કૂચમાં ભાગ લેતી વખતે ઈઝરાયેલી ધ્વજ સળગાવી દીધો હતો. સ્થાનિક અખબાર અલ-ઈંતિબાહાએ તસવીરો પ્રકાશિત કરી હતી જેમાં ઈઝરાયેલ સાથેના સામાન્યીકરણને નકારી કાઢવા, ર૧ ઓકટોબરે પ્રદર્શનકારીઓના એક જૂથે કૂચમાં ઈઝરાયેલી ધ્વજ સળગાવી દીધો હતો અને સામાન્યીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના ત્યારે ઘટી જ્યારે હિબ્રુ મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, બંને દેશો વચ્ચે સામાન્યીકરણ કરારની જાહેરાતની તૈયારી કરવા માટે એક ઝાયોનિસ્ટ પ્રતિનિધિમંડળ બુધવારે સુદાની પાટનગરની મુલાકાત લેશે. ઈઝરાયેલી પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (આઈપીબીસી)- (ઈઝરાયેલી જાહેર પ્રસારણ નિગમે) જણાવ્યું હતું કે, ઈઝરાયેલી પ્રતિનિધિમંડળ બુધવારે બેન ગુરિયોન એરપોર્ટથી સુદાન રવાના થયું હતું. સુદાન અને ઈજિપ્તના સ્ત્રોતોએ જણાવ્યું હતું કે, સઉદી અરેબિયા, અમેરિકાને ૩૩પ મિલિયન ડોલર ખાર્તુમની સરકાર અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે ચૂકવણી કરશે, સફા ન્યૂઝ એજન્સીએ બુધવારે અહેવાલ આપ્યો. મીડિયા અહેવાલો અનુસાર યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે શરત મૂકી કે સુદાનનું નામ આતંકવાદને પ્રાયોજિત કરતા દેશોની યાદીમાંથી અમેરિકા કાઢી મૂકશે પણ તે પહેલાં સુદાને વળતર ચૂકવવું પડશે. ચૂકવવામાં આવતું વળતર, ૧૯૯૮ યુએસ દૂતાવાસ પર પૂર્વ આફ્રિકામાં બોમ્બિંગ હુમલો અને યુએસએસ કોલ પર યમનના કાંઠે ર૦૦૦માં મિસાઈલ વિનાશક હુમલાના પીડિતોના પરિવારને પહોંચશે. અલ-અરબી અલ-જદીદ સાથે વાત કરતા સ્ત્રોતોએ જણાવ્યું કે, જેમ સુદાનના વડાપ્રધાન હમદોકે કહ્યું હતું કે, સુદાન પૈસા ચૂકવશે નહીં પણ રિયાધ દ્વારા ચૂકવણી કરાશે. આ મુદ્દા અંગે એક સમગ્ર કરાર છે જેમાં સઉદી અને યુએઈ સુદાનને ટેકો આપશે જ્યારે સુદાન અબ્રાહમ એકોડર્સ કરાર પર હસ્તાક્ષર કરશે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરને પદ પરથી હટાવ્યા પછી સુદાનનું આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફરીથી જોડાવવાના પ્રયત્નોમાં યુએસની આતંકવાદી યાદીમાંથી ખાર્તુમનું નામ હટી જવું એક મોટું પગલું છે.