(એજન્સ) નવી દિલ્હી, તા.૨૫
મુંબઈ હુમલાના ગુનેગાર હાફિઝ સઈદના છૂટકારા પર વડાપ્રધાન મોદીને ટોણો મારતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્રભાઈ, કામ ન થયું, ટ્રમ્પને વધારે ભેટવાની જરૂર છે. રાહુલે શનિવારે ટ્‌વીટ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદના છૂટકારા અને અમેરિકા વતી પાકિસ્તાની સેનાને લશ્કર ફંડ મામલામાં ક્લિનચીટ આપવા અંગે મોદી અને ટ્રમ્પની દોસ્તી પર મહેણું માર્યું. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું કે નરેન્દ્રભાઈ કામ ન થયું, આતંકવાદનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ મુક્ત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે લશ્કર ફંડિગ કેસમાં પાકિસ્તાની સેનાને ક્લિનચીટ આપી દીધી છે. ગળે લગાડવાની નીતિ કામ ન આવી. ફરી વાર ગળે લગાડવીની જરૂર. રાહુલે પોતાના એક ટ્‌વીટમાં મોદી સરકારને ઘણા મોરચે આલોચના કરી. પાકિસ્તાની કોર્ટના આદેશાનુસાર હાફિઝ સઈદને છોડી મૂકવામાં આવ્યો છે. કોપાયમાન ભારતે એવું કહ્યું કે હાફિઝ સઈદના છૂટકારાએ પાકિસ્તાનનો સાચો ચહેરો ખુલ્લો પાડ્યો. આ મુદ્દો ઉઠાવતાં રાહુલે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની દોસ્તી પર ટોણો માર્યો. બન્ને નેતાઓને ગળે લાગવાના કામને રાહુલે ગબફ્લોમેસી ગણાવ્યું. સાથે રાહુલે લખ્યું કે આટલું ગળે મિલાવવાથી પણ કામ ન ચાલ્યું અને ટ્રમ્પને વધારે ભેટવાની જરૂર છે. રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકાર અમેરિકા સાથે સારા સંબંધોની વાત કહેતી આવી છે. રાહુલના ટ્‌વીટ પર પલટવાર કરતાં ભાજપના પ્રવક્તા નરસિંહાએ ટ્‌વીટ કરીને કહ્યું કે રાહુલ બાબા, આદતો ન બદલી, એક વખત તો દેશની સાથે ઊભા રહો. આતંકવાદીઓ સાથે ઊભા રહેવાની તમને આદત પડી છે. તમે લશ્કરના સમર્થક છો,વિકિલિક્સ અને ઈશરહ જહાં મામલામાં તમારી લિંક ખુલ્લી ચુકી છે. છોડો, તમે સઈદના છૂટકારા પર હાફિઝ સાહેબને અભિનંદન આપ્યા કે નહીં. કોંગ્રેસે પણ વળતો વાર કરતાં કહ્યું કે અભિનંદન અને ગળે લગાડવાનું કામ તમારી પાર્ટીના વડા સારી રીતે કરી રહ્યા છે. દેશ હજુ સુધી ભૂલ્યો નથી કે કોણ પાકિસ્તાની વડાપ્રધાનના ઘેર આમંત્રણ વગર પહોંચી ગયા હતા. સાડી,શાલનો પ્રેમ, અને કંધારમાં ૩ કુખ્યાત આતંકવાદીઓને છોડી મૂકનાર ભાજપનો ઇતિહાસ કોણ નથી જાણતો.