સઉદીના કતિફમાં ૨૦૧૪માં યવમે આશુરા મનાવતા લોકો પર આડેધડ ગોળીબાર કરીને આઠ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા

(એજન્સી) રિયાધ, તા. ૪
સઉદી અરબના પૂર્વ પ્રાંતમાં આવેલા કતિફમાં ૨૦૧૪માં યવમે આશુરાના દિવસે જ આડેધડ ગોળીબાર કરીને આઠ લોકોની હત્યા કરવા બદલ સઉદીની કોર્ટે સાત અપરાધીઓને મોતની સજા ફટકારી હતી જ્યારે અન્ય ત્રણ લોકોને ૨૫ વર્ષની સજા ફટકારી હતી. અહીંની એક ટીવી ચેનલ અનુસાર આ આતંકવાદી ઓપરેશનના આરોપીઓ વિરૂદ્ધ પ્રાથમિક ચુકાદો આપ્યો હતો જેમાં ૨૦૧૪માં અલ-દાલવા શહેરમાં હુમલાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે અહીંના લોકો આશુરાના દિવસને મનાવતા હતા ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કરીને આઠ લોકોના જીવ લીધા હતા. આ કેસમાં કુલ ૧૨ આરોપીઓની હત્યામાં અટકાયત કરાઇ હતી જેમાં સાતને મોતની સજા ફટકારાઇ છે જ્યારે ત્રણ લોકોને ૨૫ વર્ષની જેલની સજા સંભળાવી છે. અન્ય બે આરોપીઓને હજુ સજા સંભળાવવાની બાકી છે. જ્યારે હુમલો થયો હતો ત્યારે આ હુમલાખોરો દાયેશ આતંકવાદી જૂથ સાથે સંબંધ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા કેટલાક દશકોમાં સઉદી અરબમાં આવો ભયાનક હુમલો થયો નથી. સઉદીમાં પૂર્વ ભાગમાં મોટાભાગે શિયા સમુદાય વસે છે અને તેમને અનાયાસે નિશાન બનાવાય છે. તેના પછીના વર્ષ મે ૨૦૧૫માં આ જ પ્રાંતમાં બીજો પણ એક હુમલો થયો હતો જેમાં એક શિયા મસ્જિદ પર બોમ્બ વડે હુમલો કરીને ૨૧ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. આ જ વર્ષમાં ઓક્ટોબરમાં પણ આશુરાના દિવસે હુમલામાં પાંચ લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારાયા હતા.