(એજન્સી) તા.૨
યમનની હૌથીની આગેવાનીવાળી નેશનલ સેલ્વેશન ગવર્નમેન્ટ (એનએસજી)ના એક અધિકારીએ પુનરોચ્ચાર કર્યો છે કે સઉદી પાયલટો જેમને હાલમાં બંધક બનાવવામાં આવેલા છે, તેમને સલ્તનતમાં કેદ ફકત પેલેસ્ટીની કેદીઓના બદલામાં જ મુકત કરાશે. કેદીઓ બાબતોની રાષ્ટ્રીય સમિતિના વડા, અબ્દુલકાદીર અલ-મુર્તઝાએ અલ-મસિરાહ ટીવી સાથેની એક વાતચીતમાં ગઈકાલે જણાવ્યું હતું કે, અમે બીજા પક્ષને ખાતરી આપી છે કે સઉદી પાયલટસને જેલમાંથી મુકત કરવામાં આવશે નહીં. સિવાય કે સઉદી અરેબિયામાં પેલેસ્ટીની કેદીઓના બદલામાં તેમને મુકત કરી શકાય છે. તેમણે ઉમેરતા કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં હૌથી સમર્થિત યમની સૈન્ય અને લોકપ્રિય સમિતિઓના ૧,૦૮૭ કેદીઓને મુકત કરાયા હતા, જેમાંથી ૬૭૦ કેદીઓને યુએન દ્વારા આયોજિત કરાર દ્વારા અને ૪૧૭ કેદીઓને સ્થાનિક કરારો દ્વારા મુકત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે સઉદીએ ૬૮ પેલેસ્ટીનીઓ અને જોર્ડનવાસીઓને કેદ કર્યા હતા અને સામૂહિક સુનાવણી શરૂ કરી હતી જેના પગલે હ્યુમન રાઈટ્‌સ વોચ (એચઆરડબ્લ્યુ) દ્વારા ચિંતા જાહેર કરાઈ હતી. અટકાયત કરાયેલા પેલેસ્ટીનીઓમાંથી મોહમ્મદ અલ-ખોદારી પણ છે, જે ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે અને તેઓ ગાઝા સ્થિત પ્રતિકાળ ચળવળ હમાસના એક ઉચ્ચ સ્તરીય અધિકારી છે. અન્યોની જેમ તેમના પર પણ આતંકવાદ સાથે સંબંધિત અસ્પષ્ટ આરોપો, લગાવાયા હતા. માર્ચમાં હૌથી આંદોલન, અંસારલ્લાહના નેતા સૈયદ અબ્દુલ મલિક અલ-હૌથીએ સઉદીઓ સામે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં ચાર સઉદી સૈનિકો સાથે યમનમાં પકડાયેલા સઉદી ગઠબંધનના પાયલટસના બદલામાં સઉદીમાં રાખવામાં આવેલા હમાસના સભ્યોને મુકત કરવાની ઓફર રાખી હતી. હમાસે આ પહેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે પેલેસ્ટીની લોકો અને તેમના હેતુ માટે બંધુત્વ અને સહાનુભૂતિની ભાવનાની કદર કરે છે.