(એજન્સી) રિયાધ, તા.૯
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સઉદી શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે બુધવારે મુલાકત કરી અને દરેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યુહરચનાની ભાગીદારીમાં લેવાતા પગલાંઓમાં વધારો કરવા તથા એકબીજાની પ્રગતિ સાધવામાં મદદ કરવા વિશે વિચાર-વિમર્શ કર્યો. સઉદી અરબની પહેલી યાત્રા પર મંગળવારે ત્યાં પહોંચાડેલા સુષ્મા સ્વરાજે ત્યાં શાહ સલમાનની મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ટ્‌વીટ કર્યું કે એકબીજાની પ્રગતિ સાધવામાં મદદ કરવા અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ પહેલાં સુષ્માએ પોતાના સઉદી સમકક્ષ અદિલ અલ-જુબેર સાથે મુલાકત કરી હતી. આ દરમિયાન વેપાર, ઊર્જા, રક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં વધારો કરવા અંગે ચર્ચા થઈ. કુમારે જણાવ્યું કે બંને નેતાઓની વચ્ચે થયેલી ચર્ચા, વેપાર અને રોકાણ વધારવાની સાથે જ લોકો સાથેના સંપર્કને વધુ મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિતિઓ પર પણ ચર્ચા કરી. આદેલે સુષ્માના સન્માનમાં બપોરના ભોજનની મિજબાની કરી. સુષ્મા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય વારસો તેમજ સાંસ્કૃતિક મહોત્સવ જનાદ્રિયાહનું પણ ઉદ્‌ઘાટન કરશે. આ ઉત્સવમાં ભારત વિશિષ્ટ અતિથિ રાષ્ટ્ર છે. સુષ્માએ જનાદ્રિયાહ ઉત્સવમાં ભારતને વિશિષ્ટ અતિથિ રાષ્ટ્રનો દરજ્જો આપવા માટે સઉદી સરકારનો આભાર વ્યક્ત કર્યો. કુમારે જણાવ્યું કે સુષ્માએ સાંજે અહીંયા એક સ્વાગત સમારંભમાં ભારતીય સમુદાયના સભ્યોનું સંબોધન કર્યું અને બંને દેશો વચ્ચે વધતા સંબંધો વિશે વાત કરી. સઉદી અરબમાં ૩૦ લાખથી વધુ ભારતીયો વસવાટ કરે છે.