(એજન્સી) તા.૧૪
સઉદીની આગેવાની હેઠળના લશ્કરી જોડાણના ફાઈટર વિમાનોએ શનિવારે વહેલી સવારે યમનના પાટનગર સનામાં યમની હૌથી લશ્કરના નિયંત્રણ હેઠળની લશ્કરી શિબિર પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલાઓ શરૂ કર્યા સ્થાનિકો અને હૌથીઓએ એમ કહ્યું તેમના અનુસાર કોઈપણ નાગરિક ઈજાગ્રસ્ત થયા ન હતા. સઉદી અરબ વિરૂદ્ધ યમની હૌથી લશ્કરે સરહદની બીજી બાજુ મિસાઈલ અને ડ્રોન હુમલાઓની એક શ્રેણીબદ્ધ કાર્યવાહી કર્યા પછીના એક સપ્તાહ બાદ આ હવાઈ હુમલાઓ થયા. જોડાણના નિવેદનો અનુસાર, સમગ્ર હૌથી હુમલાઓને રોકી દેવાયા છે. ર૦૧૪ના અંતથી યમન ગૃહયુદ્ધમાં ઘેરાઈ ગયું છે. જયારે ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ દેશના ઉત્તરી વિસ્તારના મોટા ભાગના ક્ષેત્રો પર નિયંત્રણ મેળવી લીધુ હતું અને પાટનગર સનાની બહાર રાષ્ટ્રપતિ અબ્દ-રબ્બુ મસુર હાદીની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને લાચાર કરી દીધી હતી. સઉદીની આગેવાની હેઠળના લશ્કરી જોડાણે રાષ્ટ્રપતિ હાદીની સરકારની મદદ કરવા માટે માર્ચ ર૦૧પમાં યમન સંઘર્ષમાં દખલગીરી કરી હતી.