(એજન્સી) રોઈટર, તા.૨૨
સઉદી અરબની આગેવાની હેઠળ ગઠબંધન સેના યમનમાં હૌથી ગ્રુપ સાથે યુદ્ધ કરી રહી છે. એમણે આજે સનામાં ઈરાન સમર્થિત હૌથીઓના લશ્કરી મથકો ઉપર હુમલાઓ કર્યા હતા. આ સમાચાર સ્થાનિકોએ રોઈટરને આપ્યા હતા. આ પહેલા હૌથીઓ દાવો કરી જવાબદારી સ્વીકારી હતી કે એમણે સઉદીની રાજધાનીમાં આવેલ તેલની રીફાઈનરી ઉપર ડ્રોનથી હુમલાઓ કર્યા હતો. જેના લીધે આગ લાગી હતી. જો કે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શનિવારે ગઠબંધનની સેનાએ કહ્યું હતું કે એમણે વિસ્ફોટકો સાથેના ડ્રોનને આંતર્યું હતું અને નષ્ટ કર્યું હતું જે ડ્રોન સઉદીના શહેર ખમીસ મુશૈત તરફ તાકવામાં આવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગઠબંધન સેનાએ દક્ષિણી સનામાં આવેલ હૌથીના લશ્કરી મથકો અને સનાના ઉત્તરીય વિસ્તારમાં આવેલ હથિયારોનું ઉત્પાદન કરતા સ્થળો ઉપર હવાઈ હુમલાઓ કર્યા હતા. હૌથી દ્વારા સંચાલિત ટીવીએ પણ રાજધાની સના અને સનાના એરપોર્ટ ઉપર હુમલાઓની પુષ્ટિ કરી હતી. ગઠબંધન સેના યમનમાં માર્ચ ૨૦૧૫ના વર્ષથી સક્રિય છે. ઈરાન સમર્થિત હૌથીઓએ ૨૦૧૪ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યમનની સરકારને બરતરફ કરી સના સમેત ઉત્તર યમનમાં કબજો જમાવ્યો છે.