માનવાધિકાર સંગઠનોએ સઉદી અરબના અટકાયતી કેન્દ્રોમાં રહેલા સ્થળાંતરિત કામદારો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહારની તીવ્ર નિંદા કરી

(એજન્સી)                                                          તા.૯

માનવાધિકાર સંગઠનોએ સઉદી અરબમાં સ્થળાંતરિત કામદારો સાથે થઈ રહેલી વર્તણુકની તીવ્ર નિંદા કરી હતી. સઉદીમાં અટકાયતી સ્થળાંતરિત કામદારો સાથે પશુઓ જેવો વ્યવહાર કરાતો હોવાનો તેમજ તેમને શૌચાલયમાંથી પાણી પીવાની ફરજ  પાડવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવ્યા પછી માનવાધિકાર સંગઠનોએ આ પ્રતિક્રિયા આપી હતી. ખાસ કરીને અલ-શુમૈસી ડિટેન્શન સેન્ટરમાં અટકાયતીઓની સ્થિતિ ખૂબ જ દયનીય હોવાના અહેવાલો છે આ  અટકાયતીઓ સઉદીમાંથી દેશનિકાલ થવાની રાહ જોઈ રહ્યા છે. આમાંથી ઘણા કામદારોની સઉદીમાં ગેરકાયદેસર કામ કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયતીઓને આ પણ  ખબર નથી કે તેમને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવામાં આવશે. અટકાયત કેન્દ્રમાં રહી ચુકેલા ઈબ્રાહીમ નામના શખ્સે એક સમાચારપત્રને જણાવ્યું હતું કે અમને પશુઓની જેમ રાખવામાં આવે છે. અમને સુવા માટે લોખંડની પથારી આપવામાં આવે છે. ત્યાં પૂરતી સ્વચ્છતા પણ જાળવવામાં આવતી નથી. અમે પીવા માટે શૌચાલયનું પાણી વાપરીએ છીએ. જો તમારી પાસે પૈસા હોય તો તમે સ્વચ્છ પાણી ખરીદી શકો છો. પરંતુ જો ન હોય તો તમારે ગંદુ પાણી પીવું પડે છે. એક અન્ય અટકાયતીએ જણાવ્યું હતું કે, અમને જમવા માટે બ્રેડ અને ખુબ જ ઓછા ભાત આપવામાં આવે છે અમને જે ખાવાનું આપવામાં આવે છે તેની ગુણવત્તા ખુબ જ હલકી હોય છે.  આ અટકાયતી કેન્દ્રની દયનીય સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા હયુમન રાઈટસ વોચના મધ્ય-પૂર્વ ક્ષેત્રના  ડેપ્યુટી ડાયરેકટર એડમ કુગલે કહ્યું હતું કે સઉદી અરબે અટકાયતમાં રાખવામાં આવેલા સ્થળાંતરિત કામદારોની સ્થિતિ સુધારવા અંગે કોઈ ખાસ પગલાં લધા નથી.