ગુપ્ત બેઠક અંગેની માહિતી લીક થયા પછી તેને રદ્દ કરવામાં આવી : અહેવાલ

(એજન્સી) તા.ર૮
સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આવતા અઠવાડિયે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથે વોશિંગ્ટનમાં યોજાનારી ગુપ્ત બેઠક રદ્દ કરી દીધી હતી. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ ગુપ્ત બેઠક અંગેની માહિતી લીક થઈ ગયા પછી ક્રાઉન પ્રિન્સે બેઠક રદ્દ કરી દીધી હતી. આ અહેવાલ મુજબ રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શન સમારોહ પછી આ બેઠક યોજાવાની હતી અને તે અંગે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવામાં આવી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનેરની મધ્યસ્થતાથી સઉદી અને ઈઝરાયેલના નેતાઓ વચ્ચે આ બેઠક યોજાવવાની હતી. જે દર્શાવે છે કે, બંને રાષ્ટ્રો વચ્ચે સંબંધો વધી રહ્યા છે. આ તેમની વચ્ચે સંબંધો સામાન્ય બનવાનો પણ સંકેત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિન સલમાન વચ્ચે થયેલી સમજૂતી પછી આ બેઠક યોજાવાની હતી.