(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે સઉદી અરબ સરકારે ભારતથી પાણીના જહાજ દ્વારા હજયાત્રા કરવા અંગે લીલી ઝંડી આપી છે અને બન્ને દેશોના સંબંધિત અધિકારી આવશ્યક ઔપચારિકતાઓ તથા ટેકનિકલ મુદ્દાઓ પર કામ શરૂ કરશે જેથી આગામી વર્ષોમાં સમુદ્રી માર્ગથી હજયાત્રા ફરીથી શરૂ કરવામાં આવી શકે. આધિકારિક નિવેદન મુજબ સઉદી અરબના મક્કામાં નકવીએ સઉદી અરબના હજ તથા ઉમરાહ મંત્રી ડૉ.મોહમ્મદ સાલેહ-બિન-તાહીર બિન્તેનની સાથે હજ-ર૦૧૮ના સંબંધમાં દ્વિપક્ષીય સમજોતા પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન સઉદી અરબ સરકારે ભારતીય પાણીના જહાજથી હજયાત્રા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી. નકવીએ કહ્યું કે, હજયાત્રીઓનો મુંબઈથી સમુદ્રી માર્ગ દ્વારા જિદ્દાહ જવાનો રસ્તો ૧૯૯પમાં થમી ગયો હતો. હજયાત્રીઓને સમુદ્રી માર્ગથી મોકલવા પર યાત્રા સંબંધી ખર્ચ ખૂબ જ ઓછો થઈ જશે. તેમણે કહ્યું કે નવી ટેકનિક તથા સુવિધાઓથી સજ્જ પાણીના આ જહાજ એક સમયમાં ચારથી પાંચ હજાર લોકોને લઈ જવા સક્ષમ છે. મુંબઈથી જિદ્દાહ વચ્ચેનું અંતર ર૩૦૦ સમુદ્રી માઈલ છે. એક તરફનું અંતર માત્ર ત્રણ-ચાર દિવસમાં પૂરું કરી શકાય છે. જ્યારે આની પહેલાં જહાજથી ૧રથી ૧પ દિવસ લાગતા હતા. તેમણે આગળ કહ્યું કે આ વખતે હજ ર૦૧૮ના હજ સંપૂર્ણપણે ડિજિટલ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. ભારતની આ પારદર્શી, સરળ તથા ડિજિટલ હજની વ્યવસ્થાની સઉદી અરબ સરકારના વખાણ કર્યા છે.
હવે મહિલાઓ ‘મેહરમ’
વગર હજ કરી શકશે
ઈતિહાસમાં પ્રથમવાર ભારતની મુસ્લિમ મહિલાઓને વગર મેહરમ એટલે કે કોઈ પુરૂષ સંબંધી વગર હજયાત્રા પર જવાની પરવાનગી આપવામાં આવી છે. લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્‌વીટ કરીને આ જાણકારી આપી છે. મક્કામાં નકવીએ સઉદી અરબના હજ તથા ઉમરાહ મંત્રી ડૉ.મોહમ્મદ બેન્તેન વચ્ચે મુલાકાત દરમિયાન હજ ર૦૧૮ સંબંધિત દ્વિપક્ષીય સમજોતા પર હસ્તાક્ષર કર્યા હતા. નકવીએ મક્કા પહોંચીને ઉમરાહ પણ કર્યું છે. નકવી મુજબ ભારતમાં પ્રથમવાર મુસ્લિમ મહિલાઓ વગર મેહરમ હજયાત્રા પર જશે. મેહરમ વગર હજ પર જવાની મહિલા માટે સઉદી અરબમાં અલગ બિલ્ડીંગો તથા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમના સહયોગ માટે મહિલા હજ આસિસ્ટન્ટ પણ રહેશે.