(એજન્સી) રિયાધ,તા.૬
એક નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે સઉદી અરબમાં સોનાના ઉત્પાદનમાં ૧પ૮ ટકાનો વધારો થયો છે. ર૦૧૪માં અહીં ૪૭૮૯ કિલો સોનાનું ઉત્પાદન થયું હતું. જે ર૦૧૯માં વધીને ૧ર,૩પ૩ ગ્રામ થઈ ગયું છે. આ અહેવાલ મુજબ સઉદીમાં ચાંદીના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. અહીં વર્ષ ર૦૧૪માં ૪૮૦૦ કિલો ચાંદીનું ઉત્પાદન થયું હતું. જયારે ર૦૧૯માં પપ૮૮ કિલો ચાંદીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ જ સમયગાળા દરમ્યાન સઉદીએ સોનું, ચાંદી, તાંબુ અને જસત સિવાય પ૩૭ મિલિયન ટન જેટલા ખનીજોનું ઉત્પાદન કર્યું હતું. જેમાં ચૂનાના પથ્થરો, રેતી, મીઠું, ફેલ્ડસપાર, આરસપહાણ, ગ્રેનાઈટ ફોરફેટ તેમજ બોકસાઈટ જેવા ખનીજો સામેલ હતા. ગયા મહિને સઉદીના ઉદ્યોગ અને ખનીજ સંસાધન મંત્રાલયે ખનન માટેની નવી ઈન્વેસ્ટમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી હતી. આ સિસ્ટમના કારણે રોકાણકારો માટે પારદર્શિતામાં વધારો થશે અને તેનાથી રોકાણની તકોમાં પણ વધારો થશે. આ નવી ઈન્વેસ્ટમેન્ટ સિસ્ટમ જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.