(એજન્સી) રિયાધ, તા. ૨
કોરોના વાયરસ લોકડાઉનમાં સાત મહિના સુધી બ્રેક લગાવ્યા બાદ હવે સઉદી અરબે આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને ઉમરાહ માટે પરવાનગી આપી છે તેમ એકસ્થાનિક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું. દેશમાં કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લગાવાયેલા લોકડાઉન બાદ અંકુશો હળવા કરવાની કવાયતના ભાગરૂપે તબક્કાવર છૂટછાટમાં આ મંજુરીનો પણ સમાવેશ થાય છે. નવા પગલાં હેઠળ મક્કામાં આવેલી કાબા શરીફની પવિત્ર મસ્જિદમાં એક દિવસમાં ૨૦,૦૦૦ ઉમરાહના યાત્રાળુઓ જ્યારે ૬૦,૦૦૦ લોકો નમાઝ પઢી શકે છે. અહીંની એક સ્થાનિક સમાચાર ચેનલ દ્વારા આ અહેવાલ દર્શાવાયો છે.
સઉદી અરબ સરકારે ૪ ઓક્ટોબરે મુખ્ય મસ્જિદમાં સઉદી અને દેશમાં રહેતા વિદેશીઓ સહિત ૩૦ ટકા ક્ષમતા સાથે અથવા ૬ હજાર લોકો એક દિવસમાં નમાઝ પઢી શકે તેવી પરવાનગી આપી હતી. આ ઉપરાંત યોગ્ય અંતર રાખીને તવાફ કરવાની પણ મંજૂરી આપી હતી. ત્યારબાદ ૧૮મી ઓક્ટોબરે દેશના શાસને મદીનામાં આવેલી હઝરત મુહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ની મસ્જિદે નબવીમાં ઉમરાહ અને નમાઝ પઢવા માટે એક દિવસમાં ૧૫ હજાર વ્યક્તિઓ માટે પરવાનગી આપી હતી. આમાં વિદેશી લોકો પણ સામેલ હતા. આ વર્ષે કોરોના વાયરસ મહામારીને પગલે માત્ર સઉદીમાં રહેતા લોકો માટે જ હજયાત્રાનો મર્યાદિત કાર્યક્રમ રાખ્યો હતો અને બહારના દેશના કોઇપણ લોકોને આમાં સામેલ કરાયા ન હતા. ઉમરાહ મસ્જિદ અલ હરમ એટલે મક્કા અને મસ્જિદે નબવી એટલે કે મદીનાની સૌથી મોટી મસ્જિદની મુલાકાતને કહેવાય છે જે આખા વર્ષ દરમિયાન કોઇપણ સમયે કરી શકાય છે. સઉદી અરબમાં કોરોના વાયરસના અત્યારસુધી ૩,૪૭,૨૮૨ કેસો આવ્યા છે જેમાં ૫૪૦૨ લોકો મોતને ભેટ્યા છે. માર્ચ મહિનામાં અહીં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો.