(એજન્સી) કુવૈત, તા. ૫
સઉદી અને કતારે ત્રણ વર્ષના રાજદ્વારી વિવાદને સમાપ્ત કરવા માટે મહત્ત્વની સમજૂતી પર પહોંચ્યા છે અને તેના ભાગરૂપે બંને દોહા અને રિયાધે એકબીજા માટે એરસ્પેસ અને સરહદો ખુલ્લી મુકી છે. કુવૈતના વિદેશ મંત્રી શેખ મહમૂદ નાસ્સ અલ-મોહમ્મદ અલ-સબા સાથે એક સફળ સમજૂતી દરમિયાન બંને દેશો વચ્ચે જમીન, વાયુ અને સમુદ્રી સરહદોને ફરી ખોલવામાં આવશે. ટોચની સમાચાર એજન્સી અનુસાર કુવૈતના અમીરે કતારના અમીર અને સઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆત કરવાની પુષ્ટિ કરી હતી. કુવૈતના અમીરની સલાહને આધારે બંને દેશો મંગળવારે જ સાંજથી પોત-પોતાની જમીન, વાયુ અને સમુદ્રી સરહદો ખોલી દેવા માટે સંમત થયા હતા. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, કુવૈત તથા સંયુક્ત અરબ અમિરાતે અખાતી સહયોગ પરિષદ (જીસીસી) દેશો અને ઇજિપ્તના નેતાઓની ઉત્સુકતામાં અખાતી સંકટને સમાપ્ત કરવા અને તમામ સંબંધિત બાબતોનો ઉકેલ લાવવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સંપૂર્ણ રીતે સફળ સમજૂતી મંગળવારે જીસીસીની બેઠકમાં થઇ હતી જે સઉદીના શહેર અલુલામાં થઇ હતી અને ત્યાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીએ પણ ભાગ લીધો હતો. સઉદી અરબની આગેવાનીવાળા અખાતી દેશોએ એ આરોપ લગાવીને કતાર સાથે સંબંધો કાપી નાખ્યા હતા કે તે ઇરાન અને તેના સહિતના કટ્ટરવાદી દેશો સાથે નજીકના સંબંધો ધરાવે છે જ્યારે કતારે આ આરોપોને હંમેશા નકાર્યા હતા.
Recent Comments