ઈમરાનખાને કહ્યું કે, આ વાત જવા દો હવે, એવી અનેક વસ્તુઓ છે, જેના વિશે અમે કંઈ કહી શકીએ તેમ નથી, મુસ્લિમ દેશો તરફથી પણ અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે અમારા તેમની સાથે સારા સંબંધો છે, અમે તેમને અપસેટ કરવા માંગતા નથી ઈન્શાઅલ્લાહ, અમારો દેશ અમારા વલણ પર કાયમ રહેશે અને અમે ક્યારેય ઈઝરાયેલને માન્યતા આપવાના નથી

(એજન્સી) તા.૨૨
પાકિસ્તાન ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવામાં માનતું જ નથી અને તેમ છતાં તેના પર ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા અને તેને દેશ તરીકે માન્યતા આપવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને આ દબાણ બીજા કોઈ તરફથી નહીં પણ સઉદી અરબ તરફથી જ કરવામાં આવી રહ્યું છે. તેવા દાવા અનેક અહેવાલો કરવામાં આવી રહ્યા છે. ગત ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને એક ટીવી ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ગલ્ફના દેશો જેમ જેમ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરતા જઈ રહ્યા છે ત્યારે અમેરિકા તથા અન્ય દેશો તરફથી ઈસ્લામાબાદ પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે કે, તે ઈઝરાયેલને માન્યતા આપે. ઈમરાનખાને જાહેરાત કરી હતી કે, અમેરિકા પર ઈઝરાયેલનો પ્રભાવ વધારે છે અને તેના કારણે જ ટ્રમ્પની સરકારમાં ઈઝરાયેલનું પ્રતિનિધિત્વ અને ઈઝરાયેલ પ્રત્યે ટ્રમ્પ સરકારની લાગણીઓ જગજાહેર થઈ ગઈ હતી. જ્યારે ઈમરાનખાનને સવાલ કરાયો કે, પાકિસ્તાન પર અમેરિકા સિવાય કયો દેશ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવા દબાણ કરી રહ્યું છે ? તેના જવાબમાં ઈમરાનખાને કહ્યું કે, આ વાત જવા દો હવે. એવી અનેક વસ્તુઓ છે જેના વિશે અમે કંઈ કહી શકીએ તેમ નથી. મુસ્લિમો દેશો તરફથી પણ અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે, અમારા તેમની સાથે સારા સંબંધો છે. અમે તેમને અપસેટ કરવા માંગતા નથી. ઈન્શાઅલ્લાહ, અમારો દેશ અમારા વલણ પર કાયમ રહેશે અને અમે ક્યારેય ઈઝરાયેલને માન્યતા આપવાના નથી.