(એજન્સી) તા.૧૯
કોરોના વાયરસ મહામારીના પગલે વિશ્વભરમાં લોકોએ નોકરી ગુમાવી છે. સઉદી અરબમાં પણ ૪પ૦ ભારતીય કામદારો નોકરી જતી રહી હોવાના કારણે ભીખ માંગવા મજબૂર બન્યા છે. સઉદી વહીવટી તંત્રે આ બધા ભારતીય કામદારોને અટકાયત કેન્દ્રમાં મોકલી દીધા છે. એક સમાચાર પત્રના અહેવાલ મુજબ આમાંથી મોટાભાગના કામદારોની વર્ક પરમીટની મુદ્દત પૂરી થઈ ગઈ છે, જેના કારણે તેઓ ભીખ માંગી રહ્યા હતા. આ કામદારો તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કાશ્મીર, બિહાર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના છે. આ કામદારોનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે ભીખ માંગવી એ તેમનો એક માત્ર ગુનો છે. સઉદીના અધિકારીઓએ તેમની ઓળખાણ કરી તેમને જિદ્દાહના શુમાસી અટકાયતી કેન્દ્રમાં મોકલી દીધા હતા. એક કામદારે કહ્યું હતું કે અમે કોઈ ગુનો કર્યો નથી. અમારી પરિસ્થિતિના કારણે અમે ભીખ માંગવા માટે મજબૂર બન્યા હતા. એક અન્ય કામદારે કહ્યું હતું કે અમે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા અને શ્રીલંકાના કામદારોને તેમના દેશોના અધિકારીઓ દ્વારા મદદ મેળવતા જોયા હતા. તેઓ તેમના સ્વદેશ પરત ચાલ્યા ગયા અને અમે અહીં ફસાઈ ગયા. વાયરલ વીડિયોમાં અમજદ નામનો એક કામદાર કહી રહ્યો છે કે મારો ભાઈ ગુજરી ગયો અને મારી માતાની સ્થિતિ ગંભીર છે. હું ભારત પરત જવા માંગું છું. અમજદે વડાપ્રધાન મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી અને સઉદી અરબમાં ભારતના રાજદૂત ઔસાફ સઈદને પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી ૪પ૦ ભારતીય કામદારોની દુર્દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને કેન્દ્ર સરકારને સ્વદેશ પરત ફરવા માટે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.