(એજન્સી) તા.૧૮
સઉદી અરેબિયાના અલ-અહસા પૂર્વીય ક્ષેત્રમાં ઇબ્ન જૈદ ફેક્ટરી કે જે ખજૂરનું ઉત્પાદન અને વેચાણ કરે છે તે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ ખજૂર પેકેજીંગ ફેક્ટરીમાં ૧૦૦ જેટલી સઉદી મહિલાઓ કામ કરે છે કે જેઓ મેનેજમેન્ટ એકાઉન્ટ્‌સ ક્વોલિટી કંટ્રોલ પેકેજીંગ આરોગ્ય અને પોષણ જેવા વિભાગોમાં વિવિધ હોદ્દા ધરાવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફેક્ટરી પહેલા વિદેશી પ્રવાસી શ્રમિકો દ્વારા ચલાવવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ માલિકે સ્થાનિક સઉદી મહિલાઓને કામ પર રાખવાનો નિર્ણય કર્યો જેના કારણે દેશની મહિલાઓને શ્રમશક્તિમાં લાવવા માટે એક નવી દિશા પ્રાપ્ત થઇ. ઇબ્ન જૈદ ફેક્ટરીના માલિકે ધીમે ધીમે પ્રવાસી શ્રમિકોના સ્થાને મહિલાઓને નિયુક્ત કરી દીધી અને હવે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ જ ફેક્ટરી ચલાવે છે. મીડિયા સાથેની વાતચીતમાં ખજૂરના પેકેજનું પરિવહન કરવા માટે ફોર્કલિફ્ટ ચલાવનાર એક મહિલા કામદાર અકિલા અલીએ જણાવ્યું હતું કે શરુઆતમાં આ પ્રકારની હેવી ટ્રાન્સપોર્ટ ટ્રક ચલાવવામાં મુશ્કેલી પડતી હતી કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ટ્રક જેવા વાહનો ચલાવવા માટે પુરુષો વધુ યોગ્ય છે. મહિલાઓ કોઇ પણ ક્ષેત્રમાં સફળ થઇ શકે છે એ બાબત પર પોતાની ખુશી વ્યક્ત કરતાં અકીલાહે જણાવ્યું હતું કે મને એ વાતનો આનંદ છે કે મહિલાઓ નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરીને સફળ થઇ શકે છે. એ વાત મેં પુરવાર કરી દીધી છે. તાજેતરના વર્ષોમાં સઉદી અરેબિયાએ જાહેર ક્ષેત્રમાં મહિલાઓની હાજરી વધારવા માટે કેટલાય સુધારા દાખલ કર્યા છે. નવી નીતિઓ પાછળ એક કારણ એ છે કે તેઓ કાર્યસ્થળે મહિલાઓની ભાગીદારી વધારીને અર્થતંત્રમાં મદદ કરશે. ૨૦૧૭માં કિંગ સલમાન બિનઅબ્દુલ અઝીઝે જાહેરાત કરી હતી કે મહિલા ડ્રાઇવરો પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે. ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાને વિઝન ૨૦૩૦ની સુધારા યોજના પણ શરૂ કરી છે કે જેનો હેતુ રાજ્યના અર્થતંત્રમાં વૈવિધ્યકરણ કરવાનો અને મહિલાઓની શ્રમશક્તિની ભાગીદારી વધારવાનો છે.