(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
સાઉદી અરેબીયાની ચલણની નોટ રીયાલ ઉપર મુકી નીચે કોરા કાગળનું બંડલ બનાવી લોકોને એક ટોળકી છેતરી રહી છે એવી બાતમી પીસીબી ક્રાઇમ બ્રાંચ પોલીસને મળી હતી. આ બાતમીને આધારે પોલીસે વાસણા રોડ પરથી ચાર જણાંને વિદેશી ચલણ, ચાર પાસપોર્ટ, મોબાઇલ ફોન, રોકડ રકમનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ચારે જણાં બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ શશીધરે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરમાં વૃદ્ધોનાં દાગીના ઉતારી લેવાનાં તેમજ વિવિધ પ્રકારના અસલ ચલણના માપનાં કાગળનાં ટુકડાના બંડલ ઉપર બે થી ત્રણ અસલી ચલણની નોટો મુકી લોકોને એક ટોળકી છેતરી રહી હોવાની બાતમી પીસીબીનાં પો.ઇ. એચ.એમ.વ્યાસને મળી હતી. આ બાતમીને આધારે એચ.એમ.વ્યાસ તથા તેમણાં સ્ટાફે વાસણા રોડ પર પંચમુખી હનુમાનનાં મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે વખતે શંકાસ્પદ લાગી રહેલાં ચાર ઇસમોને અટકાવી તપાસ કરતાં તેમણી પાસે બાંગ્લાદેશનાં ૪ પાસપોર્ટ, ૪ મોબાઇલ ફોન, રોકડા રૂા.૧૭,૭૦૦, વિવિધ કંપનીના ૩૬ નંગ સીમકાર્ડ, તેમજ વિદેશી ચલણની નોટો મળી આવી હતી. જેને પગલે પોલીસે ચારે જણાંની અટકાયત કરી સખ્તાઇથી પુછપરછ હાથ ધરતાં તેમને પોતાના નામ મોહમદ મુસરફ લેસકોર મુતબર (રહે. કલમ્રીઢા ભાંગા ફરીદપુર બાંગ્લાદેશ), અસ્લમ નુરૂદ્દીન ઓકોન (રહે. મહેન્દ્રોડી વોર્ડ નં.૪, રજોર મદારીપુર, બાંગ્લાદેશ), રોની સોહરાબ મુનશી (રહે. જડુઆર ૪ વોર્ડ ન.૫, વેનાટોલા સીબચાર મદારીપુર, બાંગ્લાદેશ), તથા નુરજમાલ મહમદ જોઇનલ મુલ્લા (રહે. જડુઆર ૪ વોર્ડ નં.૫, વેનાટોલા સીબચાર મદારીપુર, બાંગ્લાદેશ) હોવાનું જણાવ્યું હતું.
તેમણી પાસેથી બાંગ્લાદેશનાં પાસપોર્ટ મળી આવ્યા હતા. તેમ છતાં એક આધારકાર્ડ તથા સીકંદર નામના ઇસમનું આધારકાર્ડ, એક પાનકાર્ડ તેમજ સાઉદી અરબના ચલણની સો રીયાલની ૧૦ નોટ, ૨૬ નંગ ૨૦ ડોલરની નોટો તેમજ બાંગ્લાદેશી ચલણ તથા કાગળનું બંડલ અને તેની ઉપર સાઉદી અરબના રીયાલની ૫ નોટો મુકેલ મળી આવ્યું હતું. આ અંગે પોલીસે ચારે જણાંની ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેઓ બાંગ્લાદેશથી વિવિધ ટુકડીઓમાં વિઝા લઇ ભારતમાં આવ્યાં હતા. દેશનાં કોલકાત્તા, દિલ્હી, સુરત, બેંગ્લોર, વડોદરા જેવા મોટા શહેરોમાં ફરી કાગળનાં બંડલો ઉપર સાઉદી અરબીયાની ચલણની નોટ રીયાલની બે-ત્રણ નોટ મુકી સાચું તરીકે જણાવી ઓછી કિંમતમાં લોકોને આપવાની લાલચ આપી છેતરતાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.