(એજન્સી) તા.૬
સઉદી અરેબિયાની એક શાળામાં કાર્યરત એક ઈજિપ્તિયન શિક્ષકની ગયા અઠવાડિયે તેમના એક કિશોર વયના વિદ્યાર્થી દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ૩પ વર્ષીય હાની-અબ્દુલ-તવાબ એક માધ્યમિક શાળામાં અંગ્રેજી શિક્ષક હતા. અને તેમની હત્યા એક ૧૩ વર્ષીય વિદ્યાર્થીએ કરી હતી. જેનું કારણ એ હતું કે પરીક્ષામાં પોતે મેળવેલા ગ્રેડિંગથી તે સંતુષ્ટ ન હતો અને વર્ગખંડમાં બોલાચાલી પછી તે વિદ્યાર્થીએ શિક્ષકની હત્યા કરી નાખી, અહેવાલો અનુસાર તે વિદ્યાર્થી શાળાની બહાર તેના ૧૬ વર્ષીય ભાઈ સાથે શિક્ષકની રાહ જોતો હતો. એવું માનવામાં આવ્યું છે કે શંકાસ્પદ લોકો નાસી જતા પહેલા તવાબને રિયાધના અલ-સુલૈયીલ જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આઈસીયુમાં એક અઠવાડિયા વિતાવ્યા બાદ પીડિતે ઈજાઓ સામે દમ તોડી દીધો હતો. ત્યારબાદ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી અને ઈજિપ્તની સરકારે અબ્દુલ તવાબની હત્યાની પુષ્ટિ કરી હતી. ઈજિપ્તના વિદેશી બાબતોના મંત્રી નબીલા મકરમે પીડિત તવાબના પરિવાર પ્રત્યે દિલગીરીથી શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ ઘટનાની તપાસ રિયાધમાં સ્થિત ઈજિપ્તીયન દૂતાવાસ સાથેના સંકલનમાં કરવામાં આવશે અને ઈજિપ્તના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહકારથી મૃતકનો મૃતદેહ પરિવારની વિનંતી પર પોતાના વતનમાં પાછો મોકલી દેવાશે. સઉદીના ન્યાયતંત્ર અનુસાર અપરાધીઓને કાયદા મુજબ સજા મળશે.