(એજન્સી) તા.ર૦
સઉદીના પ્રખ્યાત ઉપદેશક ડો.સલમાન-અલ-ઉદાના ભાઈ ડો. ખાલેદ-અલ-ઉદાને રાજદ્રોહને ભડકાવવા અને સલામતીમાં અસ્થિરતા લાવવાના દાવા બદલ એક સઉદી કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. સમાચાર એજન્સી એનાદોલુએ ગઈકાલે અહેવાલ આપ્યો હતો કે ડો.સલમાન-અલ-ઉદાના પુત્ર ડો.અબ્દુલ્લાહ-અલ-ઉદાએ ટિ્‌વટર પર લખ્યું હતું કે સઉદી સત્તાવાળાઓએ મારા કાકા ખાલેદને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે અને તેમની ઉપર મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અબ્દુલ્લાહ અનુસાર તેના કાકાની ધરપકડ તે ટિ્‌વટસ બદલ કરવામાં આવી હતી જે તેમણે પોતાના ભાઈના સમર્થનમાં કરી હતી. ધરપકડના સાડા ત્રણ વર્ષ પછી આ ચુકાદો આવ્યો હતો. આ દરમ્યાન સલ્તનતમાં અટકાયતીઓના અધિકારો માટે ચિંતિત કેદીઓની સંસ્થા પ્રિઝનર્સ ઓફ કન્સાયન્સના ટિ્‌વટર એકાઉન્ટમાં લખ્યું હતું કે સઉદીની કહેવાતી વિશેષ ફોજદારી કોર્ટે ડો.ખાલેદ-અલ-ઉદા વિરૂદ્ધ તેમના ભાઈ શેખ સલમાન-અલ-ઉદાની ધરપકડને વિખવાદ જગાડવા અને સલામતીને અસ્થિર કરવા માટે ઉપયોગ કરવાના બનાવટી આરોપો સાથે પાંચ વર્ષની જેલની કેદનો ચુકાદો સંભળાવ્યો હતો. તેમાં વધુમાં કહ્યું હતું કે ડો.ખાલેદ-અલ-ઉદાની અટકાયત ગેરકાયદેસર હતી તેમની સુનાવણીના સત્ર ગુપ્ત અને ગેરકાયદેસર હતા અને જેલની સજાનો ચુકાદો જે તેમની વિરૂદ્ધ આપવામાં આવ્યો છે તે પણ ગેરકાયદેસર છે. ખાલેદને તેના ભાઈ સલમાનની અટકાયતના બે મહિના પછી ઓક્ટોબર ર૦૧૮માં પ્રથમ વખત કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. સલમાન-અલ-ઉદાની ૯મી સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ રિયાધમાં તેમના ઘરમાંથી અટકાયત કરવામાં આવી હતી અને સઉદી શાસનને બદલવા માટે ઉશ્કેરણી, પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓમાં જોડાવવા અને વિખવાદ જગાડવા સહિતના ૩૭ આરોપો હેઠળ તેમને અટકમાં લેવાયા હતા. ડો.સલમાનના પુત્ર અબ્દુલ્લાહે ગયા વર્ષના અંતમાં જાહેર કર્યું હતું કે તેમના પિતાને અટકાયતમાં ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.