(એજન્સી) રિયાધ,તા.૨૯
સઉદી અરબના ટૂરિઝમ ડેવલપમેન્ટ ફંડે રિયાધ બેંક અને બેન્ક્યું સઉદી ફ્રાન્સી સાથે સઉદી અરબમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેના પ્રોજેક્ટો માટે ૧૬૦ બિલિયન રિયાલ્સ (૪૩ બિલિયન ડોલર) ફાળવવા માટે નાણાકીય કરારો કર્યા હતા. કરાર દ્વારા માળખું ઊભું કરવામાં આવશે જેથી પ્રવાસ પ્રોજેક્ટોને નાણા આપી શકાય અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય. આ ઉદ્યોગ સઉદીના પ્રિન્સનું મહત્વાકાંક્ષી સુધારાઓનો એક ભાગ છે. જે મુજબ સઉદી ફક્ત તેલ ક્ષેત્ર ઉપરની નિર્ભરતા છોડી અન્ય ઉદ્યોગો તરફ પણ ધ્યાન આપશે. ફંડની રચના જૂન મહિનામાં શરૂઆતમાં ૪ બિલિયન ડોલરના રોકાણથી કરવામાં આવી હતી જેથી કોરોના વાયરસ અને તેલની ઘટી રહેલ કિંમતોના લીધે અર્થતંત્રને અન્યત્ર વાળી શકાય. સઉદીએ પ્રવાસ માટે પોતાના દેશના દ્વારો સપ્ટેમ્બર ૨૦૧૯માં ખોલ્યા હતા. આ માટે એમણે ૪૯ દેશો માટે નવી વિઝા પદ્ધતિ શરૂ કરી હતી. સઉદી ૨૦૩૦ સુધીમાં દેશના જી.ડી.પી.નો ૧૦ ટકા હિસ્સો પ્રવાસન ઉદ્યોગથી મેળવવા પ્રતિબદ્ધ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રવાસન મંત્રી અહમદ અલ ખતીબે જણાવ્યું હતું કે પ્રવાસન ઉદ્યોગને કોરોના વાયરસના લીધે મુકાયેલ કડક નિયંત્રણોના લીધે મોટો ફટકો પડ્યો છે જે આ વર્ષના અંત સુધી ૩૫થી ૪૫ ટકા સુધી ઘટી શકે છે.