(એજન્સી) તા.૧૦
સઉદી ન્યાયતંત્ર ઇસ્તંબુલમાં સઉદી કોન્સ્યુલેટ ખાતે ૨૦૧૮માં પાશવી રીતે જેમની હત્યા કરાઇ હતી એવા વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પર પોતાના ચુકાદા દ્વારા ન્યાય કરવામા ંવધુ એક વખત નિષ્ફળ ગયું છે. સઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રોસીક્યુટરે ખાશોગી કેસમાં ૮ પ્રતિવાદીઓ (આરોપી) માટે આખરી ચુકાદા જાહેર કર્યા છે. આમાંથી પાંચ આરોપીઓને ૨૦ વર્ષની, એકને ૧૦ વર્ષની અને બાકીના બે જણને ૭-૭ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
આરોપીઓની ઓળખ જાહેર કરવામાં કે કોને કેટલી સજા કરાઇ છે તે જાહેર કરવામાં નિષ્ફળતા દ્વારા આ કેસમાં ન્યાયને નકારવામાં આવ્યો છે અને તેથી આ કેસમાં ભીનું સંકેલી દેવાયું છે એવા આક્ષેપોને બળ મળ્યું છે. પાટનગર રિયાધમાં ક્રિમિનલ કોર્ટનો આ નિર્ણય અપેક્ષિત જ હતો કારણ કે જ્યારથી હત્યા થઇ ત્યારથી સઉદી સત્તાવાળાઓનું આ કેસમાં ઢીલું વલણ જોવા મળ્યું છે. ખાશોગીના મૃત્યુમાં તપાસ દરમિયાન આ હત્યામાં સંડોવાયેલા લોકો અંગેની માહિતી ન્યાયતંત્રએ જાહેર કરી ન હતી. હત્યામાં ૧૫ લોકોની ગેંગ હોવાનું વ્યાપક રીતે જાહેર થયું હોવા છતાં માત્ર ૮ આરોપીઓને જ ગુનેગાર ઠેરવવામાં આવ્યાં છે.
અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સીએ અગાઉ એવા તારણો જાહેર કર્યા હતાં કે આ હત્યામાં સઉદી ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાનની નિકટની કેટલીય હસ્તીઓ સંડોવાયેલી છે. તેમ છતાં પૂર્વ રોયલ એડવાઇઝર સાઉદ અલ-કહતાની, પૂર્વ નાયબ ઇન્ટેલિજન્સ વડા અહમદ અલ-આસિરી અને ઇસ્તંબૂલમાં પૂર્વ કોન્સલ જનરલ મોહમદ અલ-કોતૈહબી સામે કોઇ આરોપો ઘડવામાં આવ્યાં ન હતાં. બીજી નોંધપાત્ર વાત એ છે કે પાંચ આરોપીઓ સામે દેહાંતદંડનો ખટલો ચલાવવામાં આવ્યો હોવા છતાં તેમની સજા કેદમાં ફેરવવામાં આવી છે અને આમ આરોપીઓની સજામાં ઘટાડો કરાયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર ઇન્વેસ્ટીગેશન અજ્ઞેશ કોલમાર્ડે સઉદી પ્રોસિક્યુટરના ચુકાદાને ન્યાયની મજાક સમાન ગણાવ્યો હતો. પાંચ આરોપીઓને ૨૦ વર્ષની જેલની સજા કરવામાં આવી છે પરંતુ જેમણે ખાશોગીની હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું એવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે આરોપો જ ઘડવામાં આવ્યાં ન હતાં.