(એજન્સી) રિયાધ,તા.૩
ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝદેહની હત્યામાં સઉદી અરબ ઉપર આક્ષેપો મૂકવા બદલ સઉદી અરબના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશમંત્રીની આલોચના કરી.
સઉદીના વિદેશ મંત્રી અડેલ અલ- જુબેઈરે કહ્યું, ‘‘ઈરાનમાં જે કઈ નકારાત્મક ઘટના બને છે એનો દોષ ઈરાનના વિદેશ મંત્રી સઉદી ઉપર મુકતા અચકાતા નથી. જો એમના દેશમાં ભૂકંપ થાય અથવા પૂર આવે તો શું એનો દોષ પણ તેઓ અમારા ઉપર મૂકશે ?
મોહમ્મદ જાવેદ ઝરીફની ટિપ્પણી પછી જુબેઈરની ટિપ્પણી બહાર આવી છે. એમણે કહ્યું હતું કે સઉદી અરબમાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુ વચ્ચે મીટિંગ યોજાઈ હતી એ મીટિંગમાં અમેરિકાના સચિવ માઈક પોમ્પિયો પણ સામેલ હતા. ત્રણેયની મીટિંગમાં ષડયંત્ર રચાયું હતું એ પછી શુક્રવારે ત્રાસવાદી હુમલો કરાવી મોહસીન ફખરીઝદેહની હત્યા કરાઈ હતી.
ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઈરાનને શંકા છે કે વિદેશી આધારિત વિરોધી ગ્રુપે ઇઝરાયેલ સાથે મળી મોહસીન ફખીઝદેહની હત્યા કરાવી હતી જેઓ એમને પરમાણુ કાર્યક્રમના આર્કિટેક ગણતા હતા.
ગ્રુપે આરોપોને નકારી કાઢ્યા હતા. નેતાન્યાહુની ઓફિસે હત્યા અંગે કોઈ ટિપ્પણી કરવા ઇનકાર કર્યો હતો.
ઇઝરાયેલ અને સઉદી અરબે હાલમાં ઈરાન વિરુદ્ધ હાથ મિલાવ્યા છે, ઈરાન સઉદી સાથે ઘણી વખત પ્રોક્સી વારમાં સંકળાયેલ હતું.
ઔપચારિક રીતે સઉદી અરબે હત્યાની ટીકા કરી ન હતી જે રીતે ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના અન્ય પાંચ દેશોએ કરી હતી.
એક ઇન્ટરવ્યુંમાં રિયાધના યુ.એન. ખાતેના રાજદૂતે જણાવ્યું હતું કે અમે કોઈ પણ સંજોગોમાં હત્યાઓ કરવાની નીતિને સમર્થન નથી આપતા.