(એજન્સી) વોશિંગ્ટન, તા. ૧૮
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમ દરમિયાન બેહરીન અને યુએઇ દ્વારા લેવાયેલા રાજદ્વારી પગલાંને પગલે ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે સઉદી અરબ સહિતના દેશો તેની સાથે સમજૂતી કરે તેવી આશા છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓનું માનવું છે કે, ઇઝરાયેલ સાથે રાજદ્વારી સમજૂતી કરવા માટે સઉદી સહિતના કેટલાક દેશો તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમણે કિંગ સલમાન સાથે વાત કરી હતી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, તેઓ યોગ્ય સમય આવ્યે આમ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમારી ગણતરીમાં એવા પાંચથી છ દેશો છે જેઓ વહેલી તકે આ સમજૂતી કરવા માગે છે. તેઓ શાંતિ ઇચ્છે છે. તેઓ ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે. તમે જોશો કે ઘણી સારી પ્રવૃત્તિઓ શરૂ થશે. હવે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાશે. ટ્રમ્પે કહ્યું કે, મધ્યપૂર્વના ઘણા દેશો સમજૂતી કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએઇ અને બેહરીન દ્વારા ઇઝરાયેલ સાથે શાંતિ કરાર થયા છે. જોકે, ખંધા ઇઝરાયેલ સાથે હજુ પણ અનેક મુસ્લિમ દેશો તેની દગાબાજ નીતિઓને કારણે નારાજ છે તથા યુએઇ અને બેહરીન સાથે પણ સંબંધો તોડવા માટે તૈયાર છે.