જૂનાગઢ,તા.ર૪
એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી દેશના અન્ય ઝૂને સિંહ આપવામાં આવી રહેલ છે. સક્કરબાગ ઝૂમાંથી બે સિંહ અને પાંચ સિંહણને બે ટ્રકમાં ખોરાક, પાણી સાથે ઉત્તરપ્રદેશના ગોરખપુર ઝૂ ખાતે મોકલવામાં આવેલ છે. જ્યારે કાનપૂર ઝૂમાંથી જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં નર ગેંડો આવશે. સિંહની દેખરેખ માટે બે ટ્રકમાં ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ૧૩૭૧ કિ.મી.નું અંતર કાપી ૭ સિંહ ઈટાવાના લાયન બ્રિડીંગ સેન્ટર અને મલ્ટીપલ સફારી પાર્કમાં પહોંચશે. જૂનાગઢના સક્કરબાગમાંથી મોકલાયેલા સિંહ પહેલાં ઈટાવા લાયન બ્રિડીંગ સેન્ટર ખાતે લઈ જઈ ત્યારબાદ જરૂરિયાત મુજબ સિંહને ત્યાં રાખી અન્ય સિંહને ગોરખપુર ઝૂમાં મોકલી દેવાશે. આ તકે સક્કરબાગ ઝૂ ડાયરેક્ટર અભિષેકકુમાર અને ડો.કડીવાલ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કુલ ૮ સિંહ લઈ જવાના હતા પરંતુ મહેશ્વરી સિંહણનું બે વર્ષનું બચ્ચું બિમાર હોવાથી તેને મોકલવામાં આવ્યું નથી. તેથી ૩ બચ્ચા અને ૪ મોટા સિંહને ઈટાવા ઝૂમાં મોકલવાયા છે.
ભારતના વિવિધ ૧૩ ઝૂમાંથી જૂનાગઢ સક્કરબાગમાં જિરાફ, ઝીબ્રા, હિમાલયન કાળા રીંછ, અજગર, મોટી ખિસકોલી, હીપોપોટેમસ સહિત કુલ ૧૪૧ પ્રાણી, પક્ષીઓ આવશે. સક્કરબાગ ઝૂએ આપેલા ૭ સિંહોની સામે કાનપુર ઝૂમાંથી ગેંડો આવશે. જેને લેવા જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલયનો સ્ટાફ ઉત્તરપ્રદેશના કાનપુર શહેર પહોંચી ગયેલ છે. ઉત્તરપ્રદેશનું ઈટાવા ઝૂ ભારતનું પ્રથમ બ્રિડીંગ સેન્ટર છે જ્યાં ૮ સિંહ અને ૩ બાળ સિંહ છે. વધારાના સિંહ આપવા માટે ઈટાવા ઝૂના ડાયરેક્ટર વી.કે. સિંઘે જૂનાગઢ સક્કરબાગનો આભાર માનેલ.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી બે ટ્રકમાં લઈ જવાયેલ ૭ સિંહો માટે ખોરાક, પાણી સહિતની સુવિધા કરાઈ છે. તેમજ સિંહોને આરામ માટે ઉદયપુર અને જયપુર ઝૂમાં રાખવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ઈટાવા ઝૂ ખાતે લઈ જવાશે.