છાપી, તા.ર૩
વડગામ તાલુકાના મેમદપુર ગામે પતિ ઉપર વહેમ રાખવાના કિસ્સામાં પતિએ સગર્ભા પત્નીને લાકડી વડે ફટકારી મોતને ઘાટ ઉતરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને લઈ મૃતક મહિલાના ભાઈએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાંતા તાલુકાના જેલાણાના રહેવાસી બીજલભાઈ સોનાભાઈ ડાભી (આદિવાસી) છેલ્લા પાંચ વર્ષ થી વડગામના મેમદપુર ગામે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જો કે, પોતાની પત્ની મેધીબેન વહેમ રાખી અવાર નવાર પતિ સાથે ઝઘડો કરતા ગુરૂવારે પતિ બીજલભાઈએ સગર્ભા પત્નીને લાકડી વડે ફટકારતા સગર્ભા મેધીબેનને હાથે ફેક્ચર થવા સાથે માથાના ભાગે ગંભીર ઇજા ઓ થતા મોત નીપજ્યું હતું. જેની જાણ દાંતા તાલુકાના ધામણવા ગામે રહેતા મૃતક મહિલાના ભાઈ વિક્રમભાઈને થતા સગાઓ સાથે મેમદપુર આવ્યા હતા. તે દરમિયાન આ સમગ્ર ઘટના વિશે ભાણી મમતાને પૂછતાં તેને આ સમગ્ર ઘટનાનો પર્દાફાસ કરતા મૃતકના ભાઈએ હત્યા કરનાર બનેવી બીજલ વિરૂદ્ધ વડગામ પોલીસ મથકે ધોરણસરની ફરિયાદ શુક્રવાર મોડી સાંજે નોંધાવતા વડગામ પીએસઆઇ મનીષભાઈ મોહનીયાએ વધુ તપાસ હાથ ધરી હતી.