(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા. ૧૯
દાહોદના ૩૫ વર્ષીય સર્ગભા હદીકાબેન મન્સુરી ૧૩ દિવસ સુધી કોરોના સામે જંગ લડીને આખરે કોરોનામુક્ત થયા છે અને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. આ ૧૩ દિવસો સગર્ભાવસ્થાના પણ આખરી દિવસો હોય ઝાયડસ સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ માટે તેમને કોરોનામુક્ત કરવા સાથે સ્વસ્થ બાળકના જન્મનો બેવડો પડકાર હતો. ઉપરાંત હદીકાબેનને હાઇ બી.પી., ડાયાબિટીસ અને લોહી ગંઠાવવાને લગતી અન્ય વ્યાધિઓ પણ હોય તે પણ એક મોટો પડકાર હતો. જેને દાહોદની કોરોના મેડિકલ ટીમે સુપેરે પાર પાડયો છે અને અત્યારે માતા અને બાળકી બંને સ્વસ્થ છે.
હદીકાબેન ભાવનગરથી દાહોદ આવ્યા હતા. દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને આ બાબતે જાણ થતા તેઓએ તુરંત જ તબીબો અને સ્ટાફને હદીકાબેનની વિશેષ કાળજી રાખવા કહ્યું અને કોરોનાની સારવાર ઉપરાંત ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ રોજે રોજ ચેકઅપ કરી રિપોર્ટ આપવા જણાવ્યું.
ઝાયડસ સિવિલ હોસ્પિટલના ડો.મોહિત દેસાઇ જણાવે છે કે, હદીકાબેન નો કેસ અમારા માટે ખરી કસોટી કરનારો હતો.
અમે હદીકાબેનના હાઇ બીપી, ડાયાબીટીશ અને લોહી ગંઠાવવા માટેની સારવાર શરૂ કરી. સાથે કોવીડની સારવાર પણ ચાલુ જ હતી. ગાયનેકોલોજીસ્ટ ડો. દિનેશ પણ નિયમિત તેમનું ચેકઅપ કરતા. મેડિકલ સ્ટાફ પણ સતત ખડે પગે રહ્યો. સગર્ભાવસ્થામાં ડાયાબીટીશ પણ આવતો હોય સવારના નાસ્તા, જમવાથી લઇને રાતના દૂધ આપવા સુધી ખૂબ જ કાળજી લેવામાં આવતી. રોજે રોજ કલેક્ટર હદીકાબેનની તબીયત વિશે પૃચ્છા કરી માહિતી મેળવતા. આખરે તેઓ કોરોનામુક્ત થતા, તેમને નોન કોવિડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જયા તેમણે સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.
હદીકાબેન આ વિશે વાત કરતા જણાવે છે કે, અહીંના સરકારી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા ખૂબ સરસ સારવાર આપવામાં આવી છે. નિયમિત મારૂ મેડિકલ ચેક અપ કરવામાં આવતું હતું. અત્યારે હું કોરોનામુક્ત છું અને એક સ્વસ્થ બાળકીને જન્મ આપી શકી છું તે અહીંના તબીબોની મહેનતનું પરિણામ છે. દાહોદમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં રિકવરી રેટ ૧૦૦ ટકા છે.