બોડેલી, તા.૨૨
બોડેલી ખાતે ક્રિકેટ રમવા બાબતે સગીર બાળકો વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બોડેલી એસ.ટી ડેપો સામે બે જૂથ આમને-સામને આવી ગયા હતા. ટોળામાં લઘુમતીની હોટલમાં નુકસાન કરાયું હતું. જેમાં પાંચ બાળકોેને ઈજા થતા બે બાળકોને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બનાવ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. મળેલ માહિતી મુજબ બોડેલી વૈષ્ણવ વાડીમાં રહેતા મહેન્દ્ર રાઠવાનો પુત્ર દેવ (ઉ.૧૫)મેદાનમાં ક્રિકેટ રમતા રમતા રડતો ઘરે જતા તેની માતા વિલાસબેન અને પિતા મહેન્દ્રભાઈએ પૂછતાં જણાવેલ કે, ક્રિકેટ રમતા છોકરાઓનો દડો લેવા જતાં તું અહીંથી કેમ દડો લેવા જાય છે તેમ કહીં તેને માર મારેલ હતો. દેવના પિતા મહેન્દ્રભાઈ મેદાનમાં જતા ત્યાં હાજર છોકરાઓને પૂછતાં તમે મારા છોકરાને કેમ મારો છે કહેતા છોકરાઓ એકદમ ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા ત્યારે ત્યાં મહેન્દ્રભાઈના પિતા કનુભાઈ આવતા છોકરાઓને ગાળો બોલવાનું ન કહેતા અને ઝઘડો કરવાનું ન કહેતા મેદાન પર હાજર છોકરાઓએ અન્ય છોકરાઓને ફોન કરી બોલાવ્યા હતા અને કહેવા લાગેલ કે દરગાહનું મેદાન અમારા સમાજનું છે તે સમયે મેદાનની બાજુમાં રહેતા લોકો આવી જતા બધાંને લડતા છોડ્યા હતા. મહેન્દ્રભાઈ અને તેના પિતા કનુભાઈએ બોડેલી ડેપ્યુટી સરપંચ કાર્તિક શાહને સમગ્ર ઘટનાની વાત કરતા મહેન્દ્રભાઈ, કનુભાઈ, કાર્તિકભાઈ એસ.ટી ડેપો સામે અલ્તાફભાઈની હોટલ પર ઝઘડા બાબતે પૂછપરછ કરવા જતા બાદશાહી હોટલ ઉપર બેસેલ ઈસ્માઈલભાઈ, સિદીકભાઈ, રફીકભાઈ તથા બીજા અન્ય હોટલ સ્ટાફ સાથે ઝઘડા અંગે વાતચીત કરી સમજાવતા હતા ત્યારે રફીકભાઈ સળિયો લઈ કાર્તિકભાઈને તો બહુ મોટો નેતા થઈ ગયો છે અહીંયાથી ચાલ્યો જા જેને લઈ સામસામે બોલાચાલી થતાં એકબીજાને ધમકીઓ આપી હતી બોડેલી પોલીસે દેવની માતા વિલાસબેનની ફરિયાદ નોંધી હતી.
જ્યારે બીજી તરફ બાદશાહી હોટલમાં ટોળું ઘૂસી જઈ તોડફોડ કરી હોટલ માલિકના પુત્રો સાહિલ, શહીદ રિફાકતને બીજા બે છોકરાઓને માર મારતા બધા કિશોરોને સારવાર અર્થે બોડેલી સરકારી દવાખાને ખસેડ્યા હતા જેમાં બે કિશોરોની તબિયત વધુ બગડતા વડોદરા એસ.એસ.જી ખાતે રિફર કર્યાં છે. હોટલ માલિક અલ્તાફભાઈએ હોટલના સી.સી.ટીવી ફૂટેજના આધારે ૭૦થી ૮૦ માણસોના ટોળાં વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.