(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૩૧
ટંકારાના ઓટાળા ગામે બે દિવસ પહેલા લોકડાઉન વચ્ચે શ્રમિક દંપતીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે ટંકારા પોલીસે સઘન તપાસ કરતા મૃતક સાથે વાડીમાં અન્ય કામ કરતા તેના પરિચિત ત્રણ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા આ ત્રણેયની ઉલટ તપાસ કરતા શ્રમિક દંપતીની આડા સબંધ મામલે હત્યા થયાનો ખુલાસો થયો છે. જેમાં આ ત્રણ આરોપીમાં સગી બહેન અને બન્ને બનેવીએ સાળા અને તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખુલતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં આવેલી વાડીએ રહીને ખેતમજૂરી કરતા શ્રમિક દંપતી કારીબેન દસરથભાઇ કવસાવા (ઉ.વ. ૨૬) અને તેના પતિ દસરથભાઇ કાલીયાભાઇ વસાવાની ગઈકાલે હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આથી, ટંકારા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આથી, હાલ ત્રણ શંકમંદો પોલીસની શંકાના ઘેરામાં આવ્યા છે.
હાલમાં ટંકારા પોલીસે આ અંગે વિધિવત ગુનો દાખલ કર્યો છે. જેમાં વાડી માલિક દિલીપભાઇ છગનભાઇ દેસાઇએ કોઇ અજાણ્યા માણસો જેમાં શકદારો તરીકે પાતલીયા માવી તથા વેસ્તીબેન તથા તેના છોકરા રવિ તથા સુમેર સામે દંપતીની હત્યા કર્યાની શંકાના આધારે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ત્રણેયની ઉલટ તપાસ કરતા તેમણે જ શ્રમિક દંપતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓમાં વેસ્તીબેન મૃતક દસરથભાઇના સગા બહેન થાય છે.બાકીના બે આરોપીઓ મૃતકને બનેવી થાય છે .જેમાં મૃતક કરીબેનને તેના પતિ દશરથના બે ભાણેજો સાથે આડા સબંધ હતા આથી આ વાતની મૃતક દશરથને જાણ થતાં ઝઘડો થયો હતો. આ વાતનો ખાર રાખીને મૃતક દશરથના બે બનેવી પાતલિયાભાઈ ઉર્ફે રમેશભાઈ ઘનભાઈ માવી, ગાજરીયાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ જામસિંગ માવી અને સગીબેન વેસ્તીબેન પાતલિયાભાઈ માવીએ કુહાડી તથા સિમેન્ટના બેલના ઘા ઝીકીને દશરથ અને તેની પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપતા આ ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.