જામનગર, તા.૬
જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલાચડી નજીક આવેલા સચાણા ગામમાં એક જ પરિવારમાં અગાઉથી ચાલ્યા આવતા જમીનના ડખ્ખાના મુદ્દે બઘડાટી બોલતા દોડધામ થઈ પડી છે. સચાણામાં રહેતા વાઘેર જ્ઞાતિના કકલ પરિવારમાં સશસ્ત્ર મારામારી થઈ છે. જેમાં કાસમ દાઉદ કકલ (ઉ.વ. ૨૮), યાસીન અકબર કકલ (ઉ.વ. ૪૦) સહિતના વ્યક્તિઓ ઈજા પામ્યા છે.
સચાણામાં જ આવેલી કકલ પરિવારની એક જમીનના મુદ્દે વિવાદ છેડાયો હતો. તે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. સવારે કકલ પરિવારના કેટલાક સદસ્યો પાવડાના હાથા, ધોકા, કુહાડા જેવા હથિયારો ધારણ કરી ઘરની બહાર નીકળી આવ્યા હતાં. તેઓએ કરેલી મારામારીમાં બન્ને જુથના દસથી વધુ વ્યક્તિઓ ઘવાયા છે. આ બાબતની પોલીસ તથા ૧૦૮ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તથા એમ્બ્યુલન્સ દોડી હતી.
સ્થળ પર પહોંચેલી પોલીસે મામલાની ગંભીરતા પારખી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા માટે વધુ એમ્બ્યુલન્સ મંગાવી પડી હતી. વારાફરતી ચાર એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ છતાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ જણાઈ આવતા બે ખાનગી મોટરમાં અને પોલીસની એક જીપમાં ત્રણ ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સચાણાના કાદર દાઉદ કકલ (ઉ.વ. ૪૫), અકબર દાઉદ કકલ (ઉ.વ. ૩૦), જુસબ કકલ (ઉ.વ. ૩૫) તથા રેશ્માબેન કાસમ કકલ (ઉ.વ. ૨૬), રેશ્માબેન કાદર કકલ (ઉ.વ. ૪૦) સહિત સાતને તબીબોએ સઘન સારવાર આપવાનું શરૃ કર્યું છે જેમાંથી બેથી વધુ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ઉપરોક્ત માથાકૂટની જાણ થતા પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફના યશપાલસિંહ સહિતનો સ્ટાફ સચાણા તેમજ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મામલા પર અંકુશ મેળવવા માટે સચાણામાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.