સચિન અને વિજય સાથે ક્રિકેટ રમતા હતા, ઓક્ટોબરમાં સચિનના મિત્ર કદમનું કોરોનાથી મોત થયું હતું, વિજયનાં મોતથી મુંબઈ ક્રિકેટનેે મોટો ફટકો પડ્યો

મુંબઈ,તા.૨૧
મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરે કોરોના વાયરસના કારણે પોતાનો બીજો એક મિત્ર ગુમાવી દીધો છે. એકસમયે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી સાથે ક્રિકેટ રમનાર વિજય શિર્કેનું કોરાનાના કારણે મોત થયું છે. વિજય શર્કે ૮૦ના દાયકામાં સનગ્રેસ મફતલાલની ટીમ તરફથી ક્રિકેટ રમ્યા હતા. આ ટીમમાં સચિન અને વિનોદ કાંબલી પણ રમતા હતા. વિજય શર્કે એક ફાસ્ટ બોલર હતા. તેમનું મોત ઠાણેમાં થયું છે. તે ૫૭ વર્ષના હતા. ઓક્ટોબરમાં પણ સચિનના ખાસ મિત્ર અવિ કદમનું કોરોનાના કારણે મોત થયું હતું. હવે વિજય શર્કેનું મોત મુંબઈ ક્રિકેટ માટે મોટો ફટકો છે.શિર્કેના એક નજીકના મિત્રએ કહ્યું કે તે થોડાક વર્ષો પહેલા ઠાણે શિફ્ટ થયા હતા. ત્યાં તેમનું મોત થયું છે. વિજય શિર્કે કોવિડથી બહાર આવી ગયા હતા પણ પાછી તબિયત બગડતા મોત થયું હતું. વિજય શિર્કે મુંબઈ અંડર-૧૭ કેમ્પને કોચિંગ આપી ચૂક્યા છે. તેમણે બે વર્ષ સુધી કોચિંગ આપ્યું હતું. મુંબઈના ઘણા દિગ્ગજોએ શિર્કેના મોત પર દુઃખ પ્રગટ કર્યું છે. શિર્કે સાથે ક્રિકેટ રમી ચૂકેલા વિનોદ કાંબલીએ કહ્યું કે આ ઘણા અફસોસજનક સમાચાર છે. આ મારા માટે અંગત ક્ષતિ છે. હેરીસ શીલ્ડમાં વર્લ્‌ડ રેકોર્ડ ભાગીદારી પછી સચિન અને મને સનગ્રેસ મફતલાલે ટીમમાં લીધા હતા. અમારા કેપ્ટન સંદીપ પાટિલ હતા અને વિજય શિર્કે તે ટીમના ભાગ હતા. વિજય સાથે અમારી મિત્રતા થઈ હતી અને તે ઘણા સારા બોલર હતા. તે બધાની મદદ કરતા હતા. વિજય શિર્કેના બોલ આઉટ સ્વિંગ થતા હતા, જે તેને ખતરનાક બનાવતા હતા. પૂર્વ ફાસ્ટ બોલર સલિલ અંકોલાએ પણ વિજય શિર્કેના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.