(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
શહેરના સચીન સ્લમ બોર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહેતા એક બાઈક સવાર દંપતીને અજાણ્યા ઓટોરિક્ષા ચાલક ટક્કર મારતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સચીન પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સચીન જીઆઈડીસી ઉમંગ રેસિડેન્સી ખાતે શોભાબેન અશોકભાઈ ક્રિષ્ણા ઐય્યર રહે છે. ગત તા. ૨૩મી જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે અશોક અને તેમની પત્ની સચીન સ્લમ બોર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણ્યા ઓટો રિક્ષા ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા ક્રિષ્ણા ઐય્યરને માથાના ભાગે તથા કોણીનાભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત સવારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગત મોડી રાત્રે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. સચીન પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દંપતી ચા-નાસ્તાની દુકાન ચલાવે છે.