(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
૨૦૦૩માં એક રેડિયો જોકીના પ્રેમમાં પાગલ પતિએ પત્નીની હત્યા કરી ૧૫ વર્ષ સુધી ફરાર રહેલ, ત્યારબાદ ૨૦૧૮માં ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલ આરોપી તરૂણ જિનરાજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી, જે આજરોજ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ક્રાઈમ બ્રાંચે ૨૦૦૩માં બોપલ વિસ્તારમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા તરૂણ જિનરાજની બેંગ્લોરથી ધરપકડ કરી હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩ આજથી લગભગ ૧૫ વર્ષ પહેલાં બોપલ વિસ્તારમાં બનેલો હાઈપ્રોફાઈલ મર્ડર કેસ ઘણા વર્ષો સુધી મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તરૂણ જિનરાજે વેલેન્ટાઈન ડે પર જ પોતાની પત્ની સજનીનું ખૂન કરી દીધું હતું. તરૂણે જ્યારે પત્નીનું ખૂન કર્યું, ત્યારે તેમના લગ્નને ફકત બે વર્ષ જ થયા હતા. જાણવા મળ્યું હતું કે, તેને કોઈ આર.જે. સાથે અફેર હતું. પરંતુ આ ઘટના બાદ તેની પ્રેમિકાએ પણ તેની સાથેના તમામ સંબંધો તોડી દીધા હતા. તરૂણ ૧૫ વર્ષ પહેલાં પોલીસની આંખોમાં ધૂળ નાંખવામાં સફળ રહ્યો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, ફરાર થયેલો તરૂણ સૌથી પહેલાં દિલ્હી ગયો હતો અને ત્યાં સાત વર્ષ સુધી રહ્યો. તરૂણે પોતાના મિત્ર પંકજ બાટલીની ઓળખ અપનાવી લીધી. પંકજ બાટલી તરીકે તરૂણ ઓરેકલ કંપનીમાં સીનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો. તરૂણે પોતાના પરિવાર સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા. દિલ્હી બાદ તરૂણ પૂના ગયો અને ત્યાંથી બેંગ્લોર પહોંચ્યો. છેલ્લા આઠ વર્ષથી તરૂણ બેંગ્લોરમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાંચને સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે ૧૫ વર્ષે હત્યારાને ઝડપી લેવામાં સફળતા મળી છે.
મૃતક સજની જેની તેના પતિએ વેલેન્ટાઈન ડેના દિવસે હત્યા કરી હતી.
‘વેલેન્ટાઈન ડે’ પર દુનિયાભરના પ્રેમીપંખીડાઓ એકબીજામાં વ્યસ્ત હતા, તે જ સાંજે બોપલના હિરાપન્ના ફ્લેટના ત્રીજા માળે કોઈના જોરજોરથી રડવાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. અવાજની દીશા તરફ દોડ્યા, ત્રીજા માળના ફ્લેટમાં ઘરના દરવાજા પાસે ઊભેલો તરૂણ ધીન્નરાજ રડી રહ્યો હતો. દરવાજાની સામે રૂમમાં ગોઠવેલા ડબલ બેડ પર તેની પત્ની સજની નિશ્ચેતન પડી હતી. પાડોશીઓએ તરૂણને પૂછ્યું શું થયું ? તરૂણે રડતા-રડતા કહ્યું, સજનીને કોઈએ મારી નાંખી છે..!
આ સાંભળતા જ પાડોશીઓ તો જાણે ધબકારો ચૂકી ગયા. ફ્લેટમાં ઘૂસીને સજનીની હત્યા ?! શું થયું ? કેવી રીતે હત્યા થઈ ? જેવી વાત વાયુવેગે વિસ્તારમાં ફરી વળી. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ થોડીવારમાં દોડી આવ્યા. પોલીસને જાણવા મળ્યું કે, મૃતકનું નામ સજની છે અને તે એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. તેનો પતિ તરૂણ ધીન્નરાજ મેમનગરની એક જાણીતી સ્કૂલમાં પી.ટી.નો શિક્ષક છે. સજની ડબલ બેડ પર જાણે ઘોરનિંદ્રામાં હોય તે રીતે પડી હતી, તેના શરીર પર ઈજાનું એકેય નિશાન ન હતું કે, ન તેના કપડા વિખાયેલા હતા. તેના ઘરનો સામાન પણ વ્યવસ્થિત જ હતો, તો પછી સજનીનું મોત કેવી રીતે થયું ? તે પોલીસ માટે પણ કોયડો હતો. જો કે, પોલીસ માટે આશ્ચર્ય એ હતું કે, તરૂણ સતત સજનીની હત્યા થઈ હોવાનું કહી રહ્યો હતો. સજનીના મોતનું સાચું કારણ જાણવા બોડીનું પી.એમ. કરાયું તેમાં જાણવા મળ્યું કે, સજનીનું ગળું દાબીને તેની હત્યા કરવામાં આવી છે. એફ.એસ.એલ. અને સ્નીફર ડોગની મદદથી પોલીસે હત્યા માની તપાસ આરંભી હતી. પોલીસના સ્નીફર ડોગ સજનીનો મૃતદેહ જે રૂમમાંથી મળ્યો તે રૂમમાંથી બહાર નીકળીને સીડી ઉતરીને સીધા તરૂણ જે જગ્યાએ બેઠો હતો ત્યાં જઈને તેની સામે સતત ભસવા લાગ્યા. પોલીસ અધિકારીઓ દાળમાં કંઈક કાળું હોવાનું સમજી ગયા. ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, તરૂણ કોઈ રેડિયો સ્ટેશનની આર.જે. સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવા માંગતા હતા. આ વાત જાણ્યા બાદ પોલીસનો શક તરૂણ ઉપર દ્રઢ થઈ ગયો અને પોલીસે કેટલાક કોન્સ્ટેબલને તેના ઘરે પોલીસ સ્ટેશન લાવવા માટે મોકલ્યા. તરૂણને પરિસ્થિતિનો અંદાજ આવી જતાં તેણે છાતીમાં દુઃખાવો થતો હોવાનું નાટક કરતા તેને દવાખાનામાં દાખલ કરવો પડ્યો. બે દિવસ તેને દવાખાનામાં રાખવાનો હતો. તેના રૂમની બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજા દિવસે જ્યારે પોલીસ તેને સ્ટેશન લઈ જવા માટે રૂમમાં ગઈ ત્યારે તે રૂમમાં નહતો. આખી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી પરંતુ તે ક્યાંય ન મળ્યો. છેલ્લા ૧૫ વર્ષથી તે જીવે છે કે, મરી ગયો તે તેના માતા-પિતા કે તેની આર.જે. ગર્લફ્રેન્ડને પણ જાણ નહતી.