દિલ્હી,તા.૧
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચમાં પણ જીત મેળવી શ્રેણીને ૨-૦થી જીત મેળવી લેવા ભારતીય ટીમ સુસજ્જ દેખાઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને છે. ટીમના જુસ્સાને જોતા ભારતીય ટીમ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ શ્રીલંકા પણ નાગપુર ટેસ્ટમાં કંગાળ દેખાવ કર્યા બાદ વધુ સારો દેખાવ કરવા માટે પ્રયાસ કરે તેવી શક્યતા છે. મેચમાં ટોસ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે.અત્રે નોંધનીય છે કે નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી. ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇનિંગ્સના અંતરથી હાર આપી હતી.