(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ દિવસે દિવસે ગંભીર મુદ્દો બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતાં આજે સતત ૨૧મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આજે ડીઝલ ૨૧ પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો નોંધાયો છે. આ સાથે છેલ્લા ૨૧ દિવસમાં ડીઝલ કુલ ૧૧ રૂપિયા અને પેટ્રોલ કુલ ૯.૧૨ રૂપિયા મોંઘું થયું છે.
પેટ્રોલની કિંમતથી વધુ ડીઝલના ભાવ વધુ થતા લોકો દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. તેમ છતાં ૨૭ જૂનના રોજ સરકારી તેલ કંપનીઓએ ઈંધણની કિંમતોમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ગઈકાલે ૮૦.૧૩ રૂપિયા હતી જે ૨૫ પૈસા વધીને આજે ૮૦.૩૮ રૂપિયા પ્રતિ લિટર બોલાઈ રહી છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો ગઈકાલે ભાવ ૮૦.૧૯ રૂપિયા હતા જે આજે ૨૧ પૈસા વધીને ૮૦.૪૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે. આ સાથે દિલ્હી દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જ્યાં પેટ્રોલ કરતા ડીઝલ વધું મોંઘું થયું છે.
રાજ્યની વાત કરીએ તો મુખ્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. સતત ૨૧મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યાં છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂા.૭૭.૯૨ પ્રતિ લિટર જ્યારે ડીઝલ પ્રતિ લિટર રૂા.૭૭.૭૮ બોલાઈ રહ્યું છે. ઉપરાંત, સુરતમાં પેટ્રોલ રૂા.૭૭.૭૬ અને ડીઝલ રૂા.૭૭.૬૪ પ્રતિ લિટરે, રાજકોટમાં પેટ્રોલ રૂા.૭૭.૬૬ અને ડીઝલ રૂા.૭૭.૫૪ પ્રતિ લિટર, જ્યારે જામનગરમાં પેટ્રોલના ભાવ રૂા.૭૭.૮૧ અને ડીઝલ રૂા.૭૭.૬૧ પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.
સતત ર૧મા દિવસે પેટ્રોલ રપ અને ડીઝલ ર૧ પૈસા મોંઘું થયું : છેલ્લા ત્રણ સપ્તાહમાં ઈંધણમાં અનુક્રમે કુલ રૂા.૯.૧ર તથા રૂા.૧૧.૦૧ વધ્યા

Recent Comments