(સંવાદદાતા દ્વારા) મહેસાણા,તા.૧૪
મહેસાણા જિલ્લાના સતલાસણાના બે શંકાસ્પદ કોરોનાના દર્દીઓનો આજે પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર તાલુકાને બફર ઝોન હેઠળ મુકી તમામ રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે. જ્યારે બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલ તેમના પરિવારના ૭ સભ્યોને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરાયા છે.મુંબઈથી એમ્બ્યુલન્સમાં છ દિવસ પહેલા પોતાના સંબંધીનો મૃતદેહ લઈને કનુસિંહ ઈન્દ્રસિંહ ચૌહાણ, જસવંતસિંહ ઉદેસિંહ ચૌહાણ અને સુરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાઠોડ (દહેગામડા) સતલાસણાના ધરોઈ ગામમાં આવ્યા હતા. તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે સ્થાનિક આરોગ્યતંત્રએ કનુસિંહ અને જસવંતસિંહના કોરોના સેમ્પલ લેવાયા હતા. જેના આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રસિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત પરિવારના સાત સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા હતા. જ્યારે સતલાસણા તાલુકાને બફરઝોન જાહેર કરાયો હતો. ધરોઈ ગામના તમામ માર્ગો પર આડશો મુકી બહારથી આવતા લોકોની પ્રવેશબંધી કરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે, આ અગાઉ કડી અને વિજાપુરમાં એક એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ સતલાસણામાં એક સાથે બેનો પોઝિટિવ રિપોર્ટ આવતાં મહેસાણા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ચાર થઈ છે.
સતલાસણાના બે શંકાસ્પદના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ

Recent Comments